અગાઉના સમયમાં મોટી ઉંમરે લોકોને નંબરના ચશ્મા આવતા હતા પરંતુ આજકાલ તો નાની ઉંમરના બાળકોમાં પણ ચશ્મામાં જોવા મળે છે. આના માટે લેપટોપ, ટેબ્લેટ, મોબાઇલ જેવા આધુનિક યુગના સાધનોનો વધુ પડતો ઉપયોગ તો જવાબદાર છે જ, સાથે સાથે દૃષ્ટિ નબળી પડવાનું એક કારણ આપણો ખોરાક પણ છે. આ સંજોગોમાં તમે ડાયેટમાં સુધારો કરીને, ભોજનમાં આ શાકભાજીનું નિયમિત સેવન કરીને તમે આંખોનું તેજનું જતન કરી શકો છો.
• ગાજરઃ આંખોના તેજ માટે ગાજર સૌથી સારુ છે. તમે તેને સીધું જ ખાઈ શકો છો કે પછી શાક કે સલાડ તરીકે પણ લઈ શકો છો. ગાજર ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી આંખોનું તેજ વધે છે. ગાજરમાં વિટામીન એ, બીટા-કેરોટીન, ફાઇબર, વિટામીન-કે, પોટેશિયમ અને એન્ટી-ઓક્સિડેન્ટ ભરપુર હોય છે.
• પાલકઃ પાલકનો તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. પાલકની ભાજી બનાવીને ખાઈ શકાય છે. તેમાંથી જ્યૂસ બનાવીને પણ પી શકાય છે. પાલક આંખોના તેજ માટે ખૂબ જ ફાયદાકારક છે.
• ટામેટાંઃ ટામેટાં બારેમાસ મળે છે અને વિટામીન-સીનો સૌથી સારો સ્ત્રોત છે. ટામેટાંમાં દૃષ્ટિ સુધારનાર વિટામીન-એ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. ટામેટાંમાં કોપર પણ હોય છે. આ બધા તત્વો એવા છે જે આપણી આંખોને સ્વસ્થ રાખે છે.
• શક્કરિયાઃ આંખોના સ્વાસ્થ્ય માટે શક્કરિયા ફાયદાકારક છે. શક્કરિયામાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશીયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સેલેનિયમ, વિટામીન-એ, બી, સી, કે, બીટા-કેરોટીન જેવા પોષકતત્ત્વો મળી આવે છે.
• બ્રોકલીઃ દૃષ્ટિ સુધારવા માટે તમારે ડાયેટમાં બ્રોકલીને ચોક્કસ સામેલ કરવી જ જોઈએ. બ્રોકલીમાં સલ્ફરાફેન, વિટામીન-કે, વિટામિન-સી, મેંગેનીઝ અને પોટેશિયમ હોય છે જેના સેવનથી કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જાય છે.
• આમળાઃ આમળા એક એવું ફળ છે જેને તમે અલગ અલગ રૂપે લઈ શકો છો. તેની ચટણીથી લઈને તેના અથાણા અને મુરબ્બાની સાથે સાથે જ્યુસ તરીકે પણ સેવન કરી શકાય છે.