આદુ ભલે સ્વાદમાં તીખું હોય પણ ઘણું જ ગુણકારી છે. આદુઆપણા શરીર માટે ઘણું લાભદાયી છે. તો ચાલો આજે આદુના લાભ વિશે થોડુંક જાણીએ.
• હૃદય રોગમાં લાભદાયીઃ આદુમાં ક્રોમીયમ, મેગ્નેશિયમ અને ઝિંક ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ત્રણેય વસ્તુ રક્તપ્રવાહને વધારે સારો બનાવે છે. આના કારણે તાવ કે વધારે પરસેવો થવાની સમસ્યામાંથી છુટકારો મળે છે. આદુ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે તેમજ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આદુ લોહીની કોશિકાઓમાં લોહીને અવિરત વહેતું રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે, તેથી હાર્ટ એટેકનું જોખમ પણ નથી રહેતું.
• ભૂખ વધારવા માટેઃ આદુને પાચન માટેનો શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. આથી જ આદુની સૂકવણી કરીને તેને મુખવાસ તરીકે પણ જમ્યા બાદ ખાવામાં આવે છે. વળી, આદુનું નિયમિત સેવન પાચનને તો મજબૂત બનાવે જ છે સાથે સાથે તે ભૂખ વધારવાનું કામ પણ કરે છે. જમ્યાં પહેલાં આદુની નાની સ્લાઇસ કરીને તેની ઉપર મીઠું નાખીને આ સ્લાઇસ ખાવાથી લાળનો સ્ત્રાવ વધી જાય છે. આ લાળ ભોજનને સરળતાથી પચવામાં મદદરૂપ થાય છે.
• ગેસ્ટ્રીક તકલીફમાં રાહતઃ આદુના ઉપયોગથી અપચાના કારણે થતી ગેસ સંબંધિત તકલીફોમાં પણ રાહત મળે છે. જમ્યા બાદ મુખવાસ તરીકે આદુની ચીરી ખાવાથી અથવા આદુવાળી ચા પીવાથી પેટમાં થતી ગેસ્ટ્રીક તકલીફ દૂર થાય છે. ગેસના કારણે પેટમાં આવતી ચુંકની તકલીફ પણ આદુ દૂર કરે છે.
• ડાયાબિટીસમાં વરદાનરૂપઃ આદુ ડાયાબિટીસમાં પણ ખૂબ લાભદાયી સાબિત થાય છે. ડાયાબિટીસના કારણે ઘણી વાર લિવર અને કિડનીમાં તકલીફ થતી હોય છે, પરંતુ આદુના સેવનથી ડાયાબિટીસના કારણે કિડની, લિવર અને આંખમાં થતી તકલીફથી પણ રક્ષણ મળે છે.
• માંસપેશીના દુઃખાવામાં રાહતઃ આદુમાં જિંજરોલ નામનું એક્ટિવ સત્ત્વ હોય છે. જે પગના તેમજ માંશપેશીઓના દુઃખાવાને ઓછો કરે છે, અને આ પીડામાંથી રાહત આપે છે. પગમાં સોજો ચઢી ગયો હોય તો તેમાં પણ આદુ ખાવાથી રાહત થઇ જશે. આદુમાં નેચરલ પેઇનકિલર હોય છે, જે પગના દુખાવાને મટાડવાનું કાર્ય કરે છે.
• શરદી અને કફનો ઇલાજઃ શરદી અને કફની તકલીફમાં પણ આદુ ખૂબ લાભદાયી છે. શરદી - કફની તકલીફ હોય તો તુલસી અને આદુનો ઉકાળો પીવાથી શરદી - કફમાં રાહત થઇ જાય છે. આદુમાં શરીરમાં ગરમી ઉત્પન્ન કરતાં તત્ત્વો રહેલાં છે તેથી શરદી કફમાં આદુ ખાવાથી ખૂબ ફરક પડે છે.
• માઇગ્રેનથી પણ અપાવે મુક્તિઃ ઇરાનમાં થયેલાં એક રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે માઇગ્રેનની સમસ્યામાં આદુ દવા જેટલું જ અસરકારક સાબિત થાય છે. વળી આદુની કોઇ સાઇડ ઇફેક્ટ પણ થતી નથી. આથી માઇગ્રેનની તકલીફ હોય તેમણે આદુનું અવશ્ય સેવન કરવું જોઇએ.
• શ્રેષ્ઠ એન્ટિઓક્સિડેન્ટઃ આદુમાં બેસ્ટ એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે શરીરની ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. આથી તમારું શરીર અનેક ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ મેળવે છે. વળી, આદુ પેટમાં ઠંડક પણ કરે છે. જો કોઇને એસિડિટીની તકલીફ હોય તો આદુનું સેવન તેમાં રાહત આપે છે.