આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે. વિશ્વમાં 12 ટકા લોકો કબજિયાતથી પીડાતા હોવાનું આંકડા જણાવે છે. 6 મહિના કરતાં વધુ સમય સુધી સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ વખત પણ મળવિસર્જન થતું ન હોય કે જોર કરવું પડતું હોય તેવી સ્થિતિ કબજિયાત કહેવાય છે. આવી સ્થિતિમાં સોલ્યુબલ દ્વાવ્ય ફાઈબર ઈસબગુલ (Psyllium) લેવાથી કબજિયાતમાં રાહત મળે છે અને જોર કર્યા વિના સરળતાથી મળ પસાર થાય છે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઇસબગુલ
કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો બપોરના અને રાત્રિભોજનના 20 મિનિટ પહેલા ઇસબગુલનું સેવન કરવું જોઈએ. બજારમાં સરળતાથી મળતા ઇસબગુલ પાવડરનું સેવન હંમેશાં પાણી સાથે કરવું હિતાવહ છે જેથી તે સારી કામગીરી કરી શકે.
• ફાઈબરથી ભરપૂર અને તદ્દન ઓછી કેલરી ધરાવતું ઇસબગુલ વજનને ઝડપથી કંટ્રોલ કરે છે
• તેમાં રહેલા રેસાં આંતરડાના સોજામાં રાહત લાવે છે અને મળને ઢીલો બનાવે છે.
• ઇસબગુલનું જિલેટીન શરીરમાં ગ્લુકોઝના વિઘટન અને શોષણને ધીમું પાડી બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.
• તે હૃદયની તંદુરસ્તીને સુધારવા સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
ફાઈબર કે રેસાં એટલે શું?
ફાઈબર એક પ્રકારનું કાર્બ છે જે ફળ, શાકભાજી અને અનાજમાંથી પ્રાપ્ત થાય છે. નિષ્ણાતો ખોરાકમાં દૈનિક 21થી 38 ગ્રામ ફાઈબર લેવાની સલાહ આપે છે. મહત્ત્વની બાબત એ છે કે ફાઈબરનું પ્રમાણ ધીરે ધીરે વધારી શકાય છે. વધુ પ્રમાણમાં રેસાં લેવાથી પણ ભારે ઓડકાર, પેટ ભારે લાગવું અને ગેસની તકલીફ ઉભી થઈ શકે છે.
• આપણું શરીર ફાઈબરને પચાવી શકતું નથી પરિણામે, પાચનતંત્રમાંથી આખે આખું બહાર આવે છે.
• ફાઈબરથી આપણા ખોરાકમાં જથ્થો વધે છે જેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની લાગણી થાય છે.
• પાચનમાં મદદ કરે છે.
• ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ચોક્કસ આરોગ્ય પરિસ્થિતિની સારવારમાં મદદ મળે છે.
• કબજિયાત સામે રક્ષણ આપે છે.