હેલ્થ ટિપ્સઃ ઉંમરની સાથે સાથે શરીરના અંગો પણ ઘરડા થયા છે

Saturday 05th February 2022 05:49 EST
 
 

આપણું શરીર કેટલું સારી રીતે કામ કરશે તેનો આધાર અંગોની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે. જો શરીરનું કોઈ અંગ યોગ્ય રીતે કામ નથી કરતું તો તેનું કારણ અંગોની ઉંમર વધવાનું અથવા તો કોઈ બીમારીને કારણે બીજા અંગોનાં કાર્ય પર તેની અસર પડવાનું છે. આપણી ઉંમર વધવાની સૌથી વધુ અસર સ્નાયુઓ અને હાડકાં પર થાય છે. ત્યારબાદ આંખ અને કાન પર પણ ધીરે ધીરે તેની અસર થતી જોવા મળે છે. આ ઉપરાંત શરીરનાં આંતરિક ભાગોને પણ તે અસર કરે છે. વયના વધવા સાથે શરીરના અંગો કે હાડકાં કે સ્નાયુઓ પર કેવી અસર થાય છે અને તેનાથી કેવી તકલીફ થઇ શકે છે તે જાણીએ.
ઉંમરની સાથે ઘરડા થતા શરીરનાં અંગો
• હાડકાં: ઉંમર વધવાની સાથે હાડકાંની ઘનતા ઓછી થતી જાય છે. હાડકાંની ઘનતા ઘટે ત્યારે ઓસ્ટિયોપોરોસિસ અથવા હાડકાંમાં ફ્રેક્ચર થવાની સમસ્યા થાય છે. ઓસ્ટિયોપોરોસિસનાં લીધે હાડકાં નબળાં બને છે. મહિલાઓમાં મેનોપોઝ પછી એસ્ટ્રોઝન હોર્મોન ઓછું થતાં હાડકાંની ઘનતા ઘટવા લાગે છે. ઉંમર વધવાની સાથે કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપને કારણે હાડકાં નબળા થવા લાગે છે.
• સ્નાયુઓ: ૩૦ની ઉંમર પછી મસલ્સ ટિસ્યૂ અને મસલ્સ સ્ટ્રેન્થ ઘટવા લાગે છે. શારીરિક કાર્ય ન કરવાથી તેમજ ગ્રોથ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનની ઉણપને કારણે આ સમસ્યા રહે છે, જે સ્નાયુઓનાં વિકાસને અટકાવે છે.
• આંખ: વધતી ઉંમરની અસર આંખો પર સવિશેષ જોવા મળે છે. આંખની કીકી સખત થઈ જાય છે, જેના કારણે નજીકની વસ્તુ જોવામાં તકલીફ પડે છે. ઉંમર વધવાની સાથે કીકીનું આવરણ ઝાખું થતાં ઓછા પ્રકાશમાં જોવાનું અઘરું બને છે.
• કાન: જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ કાનનાં પડદા નબળા પડતાં જાય છે અને પરિણામે ઓછું સંભળાવાની સમસ્યા સર્જાય છે.
વધતી વય સાથે કેવી રીતે રાખશો સ્વાસ્થ્યનું ધ્યાન
• ૪૦ની ઉંમર પછી ચીડિયાપણું અને તણાવ વધવા લાગે છે. તેનાથી બચવા માટે મગજને શાંત રાખવું જરૂર છે અને આમાં મેડિટેશન બહુ ઉપયોગી થઇ શકે છે. આ ઉપરાંત ખુલ્લી હવામાં ફરો, મનગમતું સંગીત સાંભળો, તેમજ તમારું મનગમતું કાર્ય કરો.
• ઉંમર વધવાની સાથે હાડકાં નબળા પડતાં જાય છે. તેમજ અન્ય પોષકતત્ત્વોની પણ ઉણપ વર્તાય છે. આ સમસ્યાઓથી બચવા માટે હેલ્ધી ડાયટ લો. તમારા ડાયટમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડેન્ટ જેવા તત્ત્વોનો સમાવેશ કરવો.
• શરીરનાં સ્નાયુઓ નબળા પડે છે અને તેનું લવચીકપણું ઓછું થતું જાય છે. આ સમસ્યાનાં નિવારણરૂપે રોજ નિયમિત કસરત જરૂરી છે.
• ઉંમર વધવાની સાથે પાચનતંત્ર પહેલાં જેટલું મજબૂત રહી શકતું નથી. આ કારણે તેલ - મસાલાવાળા, તળેલા અને જંકફૂડથી દૂર રહેવું આવશ્યક છે.
• અનાજ, લીલા શાકભાજી, ફળોનું સેવન વધારે કરવું. આનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter