ચોમાસાના દિવસોમાં વધી ગયેલો ભેજ પાચનતંત્રને અસર કરે છે. તેનાથી પાચન નબળું પડે છે, ઉપરાંત મસાલેદાર, તેલવાળા અને પ્રોસેસ્ડ ફૂડ પાચનને વધુ નબળું બનાવે છે, જેના લીધી એસિડિટીની સમસ્યા વધે છે. આ ઉપરાંત, તણાવ, કસરતનો અભાવ, અપૂરતી ઊંઘ પણ આ સમસ્યા વધારે છે. યોગાસનની પ્રેક્ટિસ તણાવ ઘટાડીને પાચન સુધારે છે અને એસિડિટીનાં લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. કેટલીક યોગ મુદ્રાઓ પાચન સંબંધિત અંગોને સીધા ટારગેટ કરે છે. આથી એસિડિટીથી બચાવ માટે આ બે યોગાસન કરી શકાય.
પવનમુક્તાસન: કબજિયાતની સમસ્યા દૂર કરે છે
પીઠના ટેકે ચતાપાટ સૂઈ જાઓ અને બન્ને પગને પહોળા કરો. ભુજાઓને પોતાની બગલમાં રાખો. શ્વાસ છોડીને ઘૂંટણ વાળો અને તેમને છાતી તરફ ખેંચો. ઘૂંટણને નીચે પોતાના હાથ વડે પકડો. થોડી સેકન્ડ આ સ્થિતિમાં રહો અને પછી છોડી દો.
ફાયદો: આ આસન પેટ અને આંતરડામાં ફસાયેલા ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. કબજિયાત દૂર કરે છે. જેનાથી એસિડિટીમાંથી ઝડપી રાહત મળે છે.
યોગ મુદ્રાસનઃ પાચન મજબૂત કરે છે
પદ્માસનમાં બેસો અને ડાબા હાથ વડે જમણા હાથના કાંડાને પાછળના ભાગે પકડો. સામાન્ય શ્વાસ લો. હવે શ્વાસ છોડતા માથા વડે જમીનને સ્પર્શવાનો પ્રયાસ કરો. શ્વાસ લેતા જઈને ધીમે-ધીમે શરૂઆતની સ્થિતિમાં આવો. એક વાર શ્વાસ છોડીને માથા વડે જમણા ઘૂંટણને સ્પર્શ કરો. ધીમે-ધીમે શ્વાસ લો અને ઊઠો. ડાબા પડખે ફરો અને આ જ પ્રક્રિયા રિપીટ કરો.
ફાયદો: આ મુદ્રા પેટના અંગોનો મસાજ કરે છે. પેટના ભાગમાં રક્તપ્રવાહ વધારીને પાચન સુધારવામાં મદદ કરે છે.