પોટેશિયમ વિટામિન-બી૬, વિટામિન-સી, મેગ્નેશિયમ, કોપર, ફાઈબરથી ભરપૂર કેળા આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેળાંથી પાચનતંત્ર સારું થાય છે તથા હાર્ટ પણ તંદુરસ્ત રહે છે. હવે એક નવા સંશોધનાં એવું માલૂમ પડ્યું છે કે રાતના સમયે કેળાં ખાવાના અનેક લાભ છે. આયુર્વેદ અનુસાર પણ રાત્રે કેળા ખાવાથી અનેક લાભ થાય છે, પરંતુ જો શરદી ખાંસી, અસ્થમા હોય તો કેળાં ન ખાવા જોઈએ. વિવિધ ભોજન પરના અભ્યાસની સમીક્ષામાં એવું માલૂમ પડ્યું કે પૌષ્ટિક આહાર અને સ્ટ્રેસ, માનસિક આરોગ્ય અને મગજના કામકાજ વચ્ચે સીધો સંબંધ છે. જે લોકોને ગળ્યું ખાવાની વધારે ઇચ્છા થતી હોય તેઓ કેળાંના ઓપ્શનની પસંદગી કરી શકે છે. રાતના સમયે કેલરી અને શુગરથી ભરપૂર મીઠાઈ ખાવા કરતાં કેળાં ખાવા વધારે સારાં છે. કેળાં ખાવાથી સ્વીટ ક્રેવિંગ્સ પણ ઓછી થાય છે.
રાત્રે કેળા ખાવાથી એસિડીટી અને છાતીમાં બળતરામાંથી પણ રાહત મળે છે તે ઉપરાંત કેળાં સારી ઊંઘ લાવવામાં પણ મદદગાર છે. પૌષ્ટિક આહાર મગજ અને માનસિક આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ છે. કેળાં બ્લડપ્રેશરને પણ ઓછું કરવામાં મદદગાર હોવાનું સંશોધકોએ જણાવ્યું છે. હાઇબ્લડ પ્રેશરવાળા દર્દીઓ તેમના ભોજનમાં કેળાંને સામેલ કરી શકે છે. રાતે કેળાં ખાવાથી શરીરને ડાયટી પોટેશિયમ પણ મળી રહે છે.
કેળાના રંગના આધારે તેના ફાયદા નક્કી કરી શકાય છે. કેળું કાચું હોય ત્યારથી પાકે ત્યાં સુધીમાં તેનામાં પોષક તત્વોમાં ફેરફાર થતો રહેતો હોય છે. તેથી તે ખાતા પહેલાં તેના રંગ ઉપર નજર કરવી જોઈએ. કેળા ભાવતા હોય તેવા ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેક કાચું કેળું ખાવું જોઈએ. કાચા કેળામાં સુગરની માત્રા ઓછી હોય છે. તેમાં સ્ટાર્ચ હોય છે. તેથી સુગરનું પ્રમાણ ધીમે ધીમે વધે છે. પીળા થયેલા અને પાકેલા કેળામાં સુગર વધી જાય છે અને સ્ટાર્ચ ઓછો થઈ જાય છે. જેમ જેમ તેનો રંગ બદલાતો જાય છે તેમ તેમ તેના પોષતત્ત્વોમાં પણ ફેરફાર આવતો જાય છે. મોટાભાગે લોકો પાકું કેળું ખાવાનું પસંદ કરે છે. લોકોને પીળું કેળું વધારે ભાવતું હોય છે. પરંતુ, તાજેતરમાં સંશોધકોએ કેળાની વિવિધ જાત અને તેને કેવી રીતે ખાવાથી કેવા લાભ થાય છે તેના ઉપર એક સંશોધન કર્યું હતું. સંશોધકો જણાવે છે કે, કાચા કેળા આંતરડા માટે ખૂબ સારા હોય છે.
કાચા - પાકા કેળામાં ફાઈબર વધારે હોય છે. પાકેલા કેળામાં એન્ટિઓક્સિડન્ટ અને ફાઈબર વધારે હોય છે. તે ઉપરાંત તેમાં સુગર પણ વધારે હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ પાકું કેળુ ખાતાં પહેલાં ચેતવું જોઈએ.
આ ઉપરાંત જો કેળાની છાલ ઉપર કાળા ટપકાં વધવા લાગે તો તેમાં વિટામીન અને મિનરલ્સ ઓછા થઈ ગયા હોય છે. અત્યાંત પાકા થઈ ગયેલા અને કાળી છાલ થયેલા કેળામાં માત્ર સુગર જ હોય છે. આમ કેળાનો રંગ જોઈને તેને ખાવાથી વધારે લાભ થાય છે.