બજારમાં કંઇક ખરીદી કરવા ગયા અને ભારે બેગ ઉઠાવવી પડી કે ઝડપથી સીડીઓ ચઢવા જેવા કામ કરવાથી ઘણી વાર આપણને શ્વાસ ચઢી જાય છે. જો આમ થતું હોય તો એ તમારા માટે સારી બાબત પુરવાર થઇ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આવી પ્રવૃત્તિઓ કેન્સરના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ‘ધ કન્વર્સેશન’ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીમાં દાવો કરાયો છે કે દરરોજ ચારથી પાંચ મિનિટ સુધી આ પ્રકારની પ્રવૃતિ કરવાથી કેન્સરના જોખમને 20 ટકા જેટલું ઘટાડી શકાય છે. અભ્યાસમાં એમ જાણવા મળ્યું છે કે દરરોજ ઓછામાં ઓછા સાડા ત્રણ મિનિટ સુધી ઝડપથી તેમજ જોરશોરથી કામ કરવાથી કેન્સરનું જોખમ 17-18 ટકા ઘટે છે. ફેફસાં અને સ્તન કેન્સરના કિસ્સામાં આ જોખમ 30 ટકાથી 32 ટકા સુધી ઘટાડવાનો અંદાજ છે. આ અભ્યાસ 22 હજાર લોકો પર કરાયો હતો.
આ માટે સંશોધકોએ બ્રિટનના હેલ્થ ડેટાબેઝના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં 2 હજારથી વધુ એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમને પહેલા ક્યારેય કેન્સર થયું નહોતું અને ન તો તેઓ કોઈ શારીરિક પ્રવૃત્તિમાં સામેલ હતા. 55 ટકા મહિલાઓ પણ સામેલ હતી જેમની સરેરાશ ઉંમર 62 વર્ષ હતી.
સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું કે ઘરકામ જેવી પ્રવૃત્તિઓ એવા લોકો માટે સૌથી વધુ ફાયદાકારક છે, જેઓ જિમમાં જવાનું કે કસરત કરવાનું પસંદ કરતા નથી.
સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટના કેન્સર વિજ્ઞાનના એસોસિએટ પ્રોફેસરનું કહેવું છે કે, મોટા ભાગના લોકોને નિયમિત કસરત કરવાથી ફાયદો થશે. આ અધ્યયન દર્શાવે છે કે કસરત ન કરવા કરતાં કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ વધુ સારી છે. ઘરના કામકાજ કે બાળકો સાથે પ્રસંગોપાત રમત પણ લાભદાયક છે, પરંતુ કસરત જેટલી નહીં.