હેલ્થ ટિપ્સઃ કેન્સરનો ખતરો ટાળવો છે? આ પ્રમાણે ખોરાક ખાઓ

Saturday 15th February 2020 05:54 EST
 
 

મોર્ડન મેડિસીનના અભૂતપૂર્વ વિકાસને કારણે સાકાર થયેલી ‘એન્ટી કેન્સર ડ્રગ્સ’થી હવે ધીરે ધીરે કેન્સર માટેનો ડર ઓછો થતો જાય છે તે સાચું, પરંતુ કેન્સર જેવા રોગને સંપૂર્ણ કાબૂમાં લાવવાની સિદ્ધિ મોડર્ન મેડિસીનને મળી નથી તે પણ હકીકત છે. આથી જ આપણે સહુએ ચેતતા નર સદા સુખીની કહેવતને અનુસરવી રહી. અમેરિકાના જાણીતા ડો. એન્ડ્રૂ વેલ્સના જણાવ્યા પ્રમાણે કેન્સર થવાના કારણોમાં ‘પ્રિ-રેડિકલ’ના ભરાવા સામે તમારા શરીરમાં એન્ટી-ઓક્ટિડન્ટ્સની વધુ પડતી અછત હોય તો તમને કેન્સર એકલું જ નહીં, પણ બીજા ભયંકર રોગો જેવા કે હાર્ટ એટેક, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, આર્થાઈટીસ, દમ વગેરે પણ થઈ શકે છે.
આપણા શરીર તંત્રને ‘ફ્રી રેડિકલ’ તત્ત્વો બહુ નુકસાન પહોંચાડે છે. આપણા શરીરમાં હવા, પાણી, ખોરાકનું પ્રદૂષણ, દારૂ - તમાકુ - કેફી દ્રવ્યો, વધારે પડતા ચા અને કોફીના સેવનના કારણે મેટાબોલિઝમ (ચયાપચય)ની ક્રિયા ખોરવાય છે અને પરિણામે ઉત્પન્ન થાય છે નુકસાનકારક તત્વો. નામ પ્રમાણે જ ગુણ ધરાવતા આ ફ્રી રેડિકલ શરીરના તંદુરસ્ત અવયવો ઉપર જામી જઈને કેન્સર અને બીજા રોગોને જન્મ આપતા હોય છે. પરંતુ જો આપણે યોગ્ય ભોજનશૈલી અપનાવીએ તો શરીરને ફ્રી રેડિકલથી બચાવી શકીએ છીએ. આ માટે ભોજનમાં દૂધ, અનાજ, તાજા શાકભાજી, તાજા ફળફળાદિનું સેવન કરવા ઉપરાંત પૂરતું પાણી પીવું જરૂરી છે. આનાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ‘એ’, ‘સી’, ‘ઈ’, સેલેનિઅમ અને બીજા ખનીજ પદાર્થો પૂરતા પ્રમાણમાં મળશે. આ ચાર એન્ટિ-ઓક્સિડન્ટ સાથે પાંચમું એન્ટિ-ઓક્સિડન્ટ એટલે રોજની ૩૦થી ૪૦ મિનિટની નિયમિત કસરત. ફકત આટલું કરવાથી તમારા શરીરમાં કેન્સર પ્રવેશવાનો ભય નહીં રહે. એન્ટી કેન્સર ડાયેટની જાણકારી માટે વાંચો આગળ...
• ફળ - શાકભાજી વધુ લોઃ રોજ પાલક, બ્રોકલી, મૂળાની અને મેથીની ભાજીમાં રહેલા ઇન્ડોલ, બધા જ ખટમધુરા ફળો, લીંબુ વગેરેમાં ‘લીમોનીન’ તથા સફરજન અને દ્રાક્ષમાં રહેલા એલેજીક એસિડ ખૂબ જ પ્રમાણમાં મળે છે. જેથી કેન્સર થતું અટકે છે.
• ફાઈબરયુક્ત ખોરાકઃ ફાઈબર એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે, જે પાણી સાથે મળીને ફૂલે છે. આ ફાઈબરમાં પૌષ્ટિક તત્વો નહીંવત્ હોય છે, પણ તમારી હોજરી અને આંતરડાંમાં સુંવાળા ગોળો બનીને ઝડપથી આગળ વધે છે. તમારી કબજિયાત મટી જાય છે. દરરોજ ૩૦ ગ્રામ જેટલું ફાઈબર અવશ્ય લો.
• ચરબી ઓછી ખાઓઃ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં થયેલા એક પ્રયોગ અનુસાર ગર્ભવતી સ્ત્રીઓ ચરબી વધારે હોય તેવો ખોરાક લે તો ભવિષ્યમાં સ્તનનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. તમારી દરરોજની કેલરીની જરૂરિયાતના ફક્ત ૨૦ ટકા ચરબીમાંથી મળે તેવો ખોરાક ખાઓ.
• ફોલિક એસિડવાળો ખોરાક લોઃ પાંદડાવાળી ભાજી, કઠોળ, લીંબુ, નારંગી, મોસંબી, જામફળ વગેરેમાં ફોલિક એસિડ વધારે હોય છે. ભોજનમાં દરરોજ ફક્ત ૪૦૦ માઈક્રોગ્રામ લેવાથી ગર્ભાશયના મૂળ અને મોટા આંતરડાનું કેન્સર થવાની શક્યતા નહીં રહે.
• કેલ્શિયમને કદી ન ભૂલોઃ આંતરડા સંબંધિત કેન્સરથી બચવું હોય તો રોજ ૧૨૦૦થી ૧૫૦૦ મિ.ગ્રા. કેલ્શિયમ લેવું જોઈએ. ૫૦૦ મિ.લી. દૂધ તમારી રોજની કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરે છે. છતાં વધારાના કેલ્શિયમ માટે દહીં, તલ, બદામ, અખરોટ, સોયાબીન પણ લેવાનું રાખશો.
• લસણ ખાવાની ટેવ પાડોઃ પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીએ કરેલા પ્રયોગોમાં સિદ્ધ થઈ ગયું છે કે લસણમાં એવા તત્વો છે કે રોજ ત્રણથી ચાર કળી લસણના સેવનથી ફેફસાંના અને પ્રોસ્ટેટના કેન્સર સામે રક્ષણ મળે છે.
• ખોરાકમાં પરિવર્તન કરતા રહોઃ જેટલો બને એટલો તાજો, ઘરમાં બનાવેલો ખોરાક લો. ભોજનમાં હંમેશા વૈવિધ્ય જાળવો. બધા જાતના પોષણ-વિટામિન્સ મળતા રહેશે.
• સપ્તાહમાં એક દિવસ ઉપવાસઃ દર અઠવાડિયે એક દિવસ ખરા અર્થમાં ઉપવાસ કરો. મતલબ કે તેલવાળા ફરાળ વગરનો. પુષ્કળ પાણી પીઓ. ભૂખ લાગે તો રેસાવાળા ફળો ખાવ. આનાથી કિડની, ફેફસાં અને આંતરડાં - આ ત્રણેયને કંટ્રોલ કરનાર લિવરને થોડો આરામ મળશે. શરીર ચોખ્ખું થઈ જશે.
ઉપર જણાવેલ સરળ ઉપાયો નિયમિત રીતે અજમાવશો તો લાંબુ જીવવાની તો ગેરંટી જ છે, પણ સાથે ‘મને કેન્સર થશે તો?’ આવા સતત મંડરાતા ભયમાંથી પણ મુક્તિ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter