વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ હાડકાંનું આયુષ્ય ઘટતું જાય છે. આ ઉપરાંત આર્થરાઈટિસ અને હાડકાં સંબંધિત અન્ય બીમારી થવાનો પણ ભય રહે છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળા રહે છે અને ઊઠવા બેસવામાં પણ તકલીફ પડે છે. આ સિવાય પડી જવાથી હાડકું તૂટવાનો પણ ભય રહે છે. આવા સમયે શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે તે જરૂરી છે અને કેલ્શિયમ મેળવવા માટે કેલ્શિયમયુક્ત આહાર આરોગવો જરૂરી છે. હાડકામાં કેલ્શિયમનું પૂરતું પ્રમાણ જાળવવા માટે તમે નીચે જણાવેલો આહાર આરોગી શકો છો.
• દૂધઃ દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી રહેલું છે. દૂધને સંપૂર્ણ આહાર તરીકે પણ લેવામાં આવે છે. એક ગ્લાસ દૂધ પીવાથી ભૂખ લાગતી નથી. દૂધમાં પ્રોટીન, ચરબી અને સારા પ્રમાણમાં કાર્બ રહેલા છે. જો તમને લેક્ટોસ ઈન્ટોલેરન્સની સમસ્યા રહેતી હોય તો તમે દૂધની જગ્યાએ છાસ અથવા દહીંનું સેવન કરી શકો છો.
• પનીરઃ પનીરમાં કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત રહેલો છે. તે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે તેટલું જ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પનીરમાંથી ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે, જે હાડકાંને મજબૂત રાખવાની સાથે મગજને કાર્યરત પણ રાખે છે.
• કેળાઃ કેળામાં મેગ્નેશિયમ રહેલું છે. તે હાડકાંના વિકાસમાં મદદ કરે છે. દરરોજ એક કેળું આરોગવાથી પાચનશક્તિ સ્વસ્થ રહે છે અને હાડકાં માટે પણ લાભકારી છે.
• પાલકઃ પાલકમાંથી કેલ્શિયમ અને વિટામિન મળી રહે છે. આ ઉપરાંત તેમાં ફાઈબરનું પ્રમાણ પણ ભરપૂર છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને વિટામિન રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ફાઈબર આહાર પચાવવામાં પણ મદદ કરે છે. પાલકનો શાક તેમજ સૂપ તરીકે પણ આહારમાં સમાવેશ કરી શકો છો.
• અનાનસઃ તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ સહિત બીજા ઘણા પોષકતત્ત્વો રહેલાં છે. પાઇનેપલ ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે અને હાડકાં મજબૂત થાય છે. આ ઉપરાંત તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
• ઇંડાઃ ઇંડામાં પણ કેલ્શિયમ, વિટામિન અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં રહેલું છે. રોજ એકથી બે ઈંડા આરોગવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને હાડકાં પણ મજબૂત બને છે.