મસાલાનું સુગંધી દ્રવ્ય કોથમીર - ધાણા છે. આને લીધે રસોઈમાં એક જાતની સુગંધ આવે છે અને રસોઈના આસ્વાદમાં લિજ્જત આવે છે. કોથમીર લીલી હોય છે. જ્યારે તેના ફળને ધાણા કહેવાય છે. મસાલામાં ધાણા અને જીરુંને સાથે ખાંડીને ઉપયોગમાં લેવામાં આવે છે.
• ધાણા પેશાબ સાફ કરનાર છે. સ્વાદ રુચિ લાવવા માટે ધાણા સર્વશ્રેષ્ઠ છે. કોથમીરની ચટણીથી મોંની અરુચિ ભાંગે છે અને સારી ભૂખ લાગે છે.
• પાતળા ઝાડાની સમસ્યા હોય તો ધાણાના કાઢાનો ઉપયોગ કરવો. ૨૦ ગ્રામ ધાણા લઈને આઠ વાડકી પાણી નાંખી કાઢો બનાવવો. જ્યારે એક વાડકી જેટલું પાણી બાકી રહે ત્યારે તેને ઉતારી લો અને ઠંડુ પડવા દો. આ કાઢો દિવસમાં બે વખત લો. ચાર દિવસમાં સમસ્યા દૂર થઇ જશે.
• ધાણા કૃમિનાશક છે. નાનાં બાળકોને કૃમિ થયાં હોય તો ધાણાને નાની-નાની માત્રામાં એક વાલ જેટલા મધ સાથે દેવાથી કૃમિની સમસ્યા દૂરથાય છે.
• ધાણા પચવામાં હલકા, શામક, અગ્નિદીપક, ખોરાકનું પાચન કરનાર, રોચક અને ઠંડા હોય છે. પિત્તના રોગો તથા શરીરની આંતરિક ગરમીમાં ધાણાનો ઉપયોગ કરવો જોઈએ.
• કોથમીર આંખ માટે સારી છે. આંખના રોગમાં કોથમીરના રસના ટીપાં નાખવા જોઈએ. આમ કરવાથી આંખનું તેજ વધે છે.
• મોઢાના ખીલ દૂર કરવા માટે કોથમીરનો રસ મોઢે ચોપડવો જોઇએ, ઘસવો જોઈએ. ખીલ મટી જશે.
• પિત્તના તાવમાં, પેટની બળતરામાં, શીતળા નમ્યા પછીના દિવસોમાં, અરુચિમાં, પેટના દુઃખાવામાં ધાણાનું પાણી કરીને પીવું હિતાવહ છે.