વય ભલે વધતી રહે, પણ તન અને મન તંદુરસ્ત રહે તે જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવાના તો આપણે અનેક ઉપાય જાણીએ છીએ, પણ મન - દિમાગને સચેત રાખવા માટે થોડા હટકે પ્રયાસ જરૂરી છે. આપણે કેટલીક બાબતે કાળજી લઇને સમજવા-વિચારવાની ક્ષમતામાં થતો ઘટાડો, ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓથી બચી શકીએ છીએ. મગજને તંદુરસ્ત રાખવા માટે ડાયેટમાં વિવિધ રંગોના સિઝનલ ફળ અને શાકભાજી ખાવાની સાથે નિયમિત કસરત જરૂરી છે. આ ઉપરાંત, વિજ્ઞાન આધારિત આ ત્રણ ઉપાય મગજને તેજ અને તરોતાજા રાખવામાં મદદગાર બને છે.
મગજને ચેલેન્જ આપો
મગજને સક્રિય રાખવું તેની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્ત્વનું છે. મગજને પડકારજનક કાર્ય હાથ ધરશો તો વિચારવાની ક્ષમતા સુધરશે. મગજને પડકાર આપતી ગતિવિધિઓ જેમ કે કોયડા ઉકેલવા, મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવા, પુસ્તકો વાંચવા અને નવી સ્કિલ શીખવાથી મગજની વિચારવાની ક્ષમતા સુધરે છે.
ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓનું જોખમ ઘટે છે.
અખરોટ, અળસીનું સેવન કરો
આ ખાદ્યપદાર્થો મગજને સારી રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે. આપણું મગજ લગભગ 60 ટકા ફેટથી બનેલું હોય છે. આથી હેલ્ધી ફેટ મગજની તંદુરસ્તી માટે જરૂરી છે. તેમાં પણ ઓમેગા-3 ફેટી એસિડ વિશેષ રીતે ફાયદાકારક છે. જે અખરોટ, અળસી અને ચિયા સિડ્સ, એવોકાડો અને જેતુનના તેલમાં ભરપૂર હોય છે. આ ફેટ મગજના કોષ એટલે કે મેમ્બ્રેનના નિર્માણમાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે મગજને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. વિચારવાની ક્ષમતામાં આવતો ઘટાડો ઓછો કરે છે.
ભોજનમાં પ્રોટીન લો
પ્રોટીન સમગ્ર શરીરના બિલ્ડિંગ બ્લોક્સ છે. તેમાં મગજ પણ સામેલ છે. પ્રોટીનનું પુરતું પ્રમાણ મગજમાં ન્યૂરોટ્રાન્સમીટર બનાવવા માટે જરૂરી એમીનો એસિડ પૂરું પાડે છે, જે મગજની કોશિકાઓ વચ્ચે સંચાર માટે અત્યંત જરૂરી છે. શરીરમાં પૂરતા પ્રોટીનથી મગજના કોષો વચ્ચે સંચાર સુધરે છે. પ્રોટીન મગજના ટિશ્યુનું રિપેરિંગ અને જાળવણીમાં પણ મહત્ત્વપૂર્ણ છે. આથી મસૂરની દાળ, ચણા, ટોફૂ, પનીર, દહીં અને નટ્સ વગેરેને મુખ્ય ભોજનમાં સામેલ કરો.