કોઇ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તેની તપાસ માટે અનેક દુનિયાના અનેક દેશોમાં સિરો સર્વે થઈ રહ્યો છે. આ ટેસ્ટમાં એ જોવામાં આવે છે કે, શરીરમાં વાઈરસ સામે લડનારું એન્ટિબોડી બન્યું છે કે નહીં. એન્ટિબોડી શું છે, કેવી રીતે બને છે, એન્ટીબોડીના લીધે આપણે કેટલા દિવસ બીમારીથી દૂર રહી શકીએ છીએ વગેરે જેવા આમ આદમીને મૂંઝવતા આ પ્રશ્નોના જવાબ ભારતની નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના ડિરેક્ટર ડો. સુજીત કુમાર સિંહે આપ્યા છે.
• એન્ટિબોડી એટલે શું?
એન્ટિબોડી અંગ્રેજીના ‘વાય’ આકારના પ્રોટીન હોય છે, જે એક પ્રકારની શ્વેત રક્ત કોશિકાઓ (વ્હાઇટ બ્લડ સેલ્સ) છે. એન્ટિબોડીને ઈમ્યુનોગ્લોબુલિન પણ કહે છે. બેક્ટેરિયા કે વાઈરસ (પેથોજન) જ્યારે શરીરમાં પ્રવેશે છે, તો ઈમ્યુન સિસ્ટમ (ઈમ્યુનોગ્લોબુલિન પ્રોટીન) તેની સામે લડે છે અને આપણા શરીરમાં એન્ટિબોડી તૈયાર કરે છે. જેને શરીરના ગેટકીપર પણ કહેવાય છે.
• એન્ટિબોડી કેટલા પ્રકારના હોય છે?
એન્ટિબોડીના અનેક પ્રકાર હોય છે, પરંતુ કોરોના વાઈરસ વિરુદ્ધ બે પ્રકારના એન્ટિબોડી બની રહ્યા છે. એક, ઈમ્યુનોગ્લોબુલિન-એમ (આઇજીએમ) અને બીજો, ઈમ્યુનોગ્લોબુલિન-જી (આઇજીજી).
• આ એન્ટિબોડી કેટલા દિવસમાં બને છે અને કેટલા દિવસ સુધી શરીરમાં જળવાય રહે છે?
શરીરમાં જેવો વાઈરસ પ્રવેશે, તેવું જ શરીરમાં આઈજીએમ બનવાનું શરૂ થઈ જાય છે. લગભગ ૧૪ દિવસ પછી બીજો એન્ટિબોડી આઈજીજી બને છે, જે લાંબા સમય સુધી રહે છે.
• શરીરમાં આઈજીએમ કે આઇજીજી એન્ટિબોડી બની ગયું, તો શું તેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિને કોરોના થયો અને તે સાજો પણ થઈ ગયો?
અત્યારે માની લેવું કે કોરોના થઈને સાજો પણ થઈ ગયો, પરંતુ સામાન્ય ફ્લૂ પછી પણ તેને મળતા આવતા એન્ટિબોડી બને છે. કોવિડ પણ એક પ્રકારનો ફ્લૂ જ છે.
• એક વખત એન્ટિબોડી બન્યો, તો શું બીજી વખત વાઈરસ હેરાન નહીં કરે?
કોરોનાના કેસમાં અત્યારે આવું કહી શકાય નહીં કે એક વખત એન્ટિબોડી બન્યા પછી બીજી વખત બીમારી થઈ શકે છે કે નહીં, કેમ કે આ અંગે હજુ સંશોધનો ચાલી રહ્યા છે.
• શું આવું પણ હોઈ શકે છે કે, કોવિડ થયો હોય અને ખબર પણ ના પડે... આવું કેવી રીતે થાય છે?
તેને સરળ ભાષામાં આ રીતે સમજો - અનેક વખત જ્યારે હવા ચાલે છે તો કોઇને તેજ ઝોકું લાગે છે, કોઈને હલકું અને કોઈને ખબર પણ પડતી નથી. આ વાઈરસ પણ કેટલીક હદ સુધી આવો જ પ્રભાવ છોડે છે. કોરોના વાઈરસ એટલો ઈન્ટેન્સ નથી, એટલે અનેક વખત લક્ષણ પણ દેખાતા નથી.