હેલ્થ ટિપ્સઃ કોળા વિશે શું જાણો છો?

Saturday 17th July 2021 10:03 EDT
 
 

પશ્ચિમી દેશોમાં હેલોવિનના તહેવાર દરમિયાન કોળાને સજાવવાનું આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત થેન્ક્સગિવિંગ માટે પણ કોળાનો ઉપયોગ થાય છે. આપણા ગુજરાતી પરિવારોમાં જોકે, અન્ય શાકની સરખામણીએ સસ્તા અને સહેલાઈથી મળતાં કોળાની એટલી કદર નથી. ઘણાને ખ્યાલ નહીં હોય કે પીળું કોળુ પોષક તત્વોથી ભરપૂર અને ઓછી કેલેરી તથા વિપુલ વિટામિન ધરાવે છે.
મોટા ભાગે વજન ઘટાડવા માટે શાકભાજી અને ફળ ખાવાનું કહેવાય છે. તાજાં શાકભાજીનો ઉપયોગ રોજિંદા જીવનમાં ખૂબ લાભ કરે છે. કોળાનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં સામેલ કરવાથી ઓબેસિટીમાં ઘટાડો થાય છે. તેમ જ ડાયાબિટીસ અને હૃદયને લગતી તકલીફો પણ દૂર થાય છે. વાળ અને ત્વચા માટે પણ કોળું ખૂબ લાભકારક છે તેનાથી એનર્જી લેવલ પણ વધે છે અને વેઈટલોસ પણ થાય છે.
આ ઉપરાંત, કેટલાક રોગમાં પણ કોળું ઉપયોગી છે તે જાણીએ.
• બ્લડ પ્રેશરઃ હાર્ટ માટે કોળું ખૂબ ઉપયોગી છે. કોળામાં ફાઈબર્સ વધારે છે. ઉપરાંત, તેમાં રહેલું પોટેશિયમ, વિટામિન સી હાર્ટ માટે ખૂબ મદદરૂપ છે. બ્લડપ્રેશર માટે સોડિયમનો ઉપયોગ ઓછા કરવા માટે ભોજનમાં કોળાનો સમાવેશ કરવો જોઈએ. કોળામાં પોટેશિયમ ભરપૂર હોવાથી લકવો, કિડની સ્ટોન જેવી તકલીફમાં તે રાહતદાયક છે.
• નેત્રરોગઃ એન્ટિઓક્સિડન્ટ વિટામિન સી, વિટામિન ઈ અને બીટા કેરોટિન આંખો માટે ખૂબ સારા છે. તેના સેવનથી આંખો સારી રહે છે અને ડિજનરેટિવ રોગોથી પણ દૂર રહી શકાય છે. આ તમામ વિટામિન કોળામાં છે.
• ફર્ટિલિટીઃ કોળું સ્ત્રીઓની ફર્ટિલિટી વધારે છે, જે સ્ત્રીઓ ગર્ભવતી હોય તેમણે વધારે આયર્નયુક્ત ખોરાકની સાથે વિટામિન એ વધારે ધરાવતું કોળું ખાવું જોઈએ. તેનાથી ફર્ટિલિટી વધે છે. કોળામાં રહેલું વિટામિન એ ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ ફાયદો કરે છે.
• ઈમ્યુનિટીઃ કોળામાં રહેલું વિટામિન સી અને બીટા કેરોટિન ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે. જ્યારે વિટામિન સી અને વિટામિન એ સાથે
મળે ત્યારે તે ન્યુટ્રિશનનું શક્તિશાળી સંયોજન બને છે.
રોજિંદા ખોરાકમાં તમે કોળાનો ઉપયોગ અનેક પ્રકારે કરી શકો છો. જેમ કે, કોળાનો સૂપ બનાવીને રોજ પી શકાય. હાંડવો બનાવતી વખતે તેમાં કોળું છીણીને નાંખી શકાય. પંજાબી શાકમાં ગ્રેવી ઘટ્ટ કરવા માટે કોળાનો ઉપયોગ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter