આર્યુવેદમાં બતાવેલા છ રસ એટલે કે મધુર-મીઠો, અમ્લ-ખાટો, વલણ-ખારો, કટું-તીખો, તિક્ત-કડવો અને કષાય-તુરો. આર્યુવેદમાં દ્રવ્યોનું વર્ગીકરણ રસને આધારે પણ કરાયું છે. સમાન રસ-સ્વાદ ધરાવતાં દ્રવ્યો સમાન ગુણવાળાં હોય છે. એટલે કે સ્વાદને ગુણ જાણવાથી અથવા એ સ્વાદ-રસ શરીરને કઇ રીતે અસર કરે છે. એ જાણવાથી, તે દ્રવ્યનાં ગુણ સમજી શકાય. બધાં દ્રવ્યોનાં પોતાના ચોક્કસ ગુણ હોય છે, પણ રસ દ્વારા તેને સામાન્ય રીતે સમજી શકાય છે. જેમ કે, આમળા કે ખાટાં છે. આપણે રોજ વાપરતાં ટમેટાં, લીંબુમાં પણ અમ્લ રસ મુખ્ય છે. આમલી, બીજોરાં, દાડમ, સંતરાં, કેરી, ખટૂમડા, કોઠું, કરમદાં આ બધાં ખાટાં ફળો છે. સાથે જ દુધમાંથી બનતું દહીં અને તેમાંથી બનતી છાશ બંનેનો રેસ અમ્લ છે. એટલે, એમાં પણ ખાટા સ્વાદના જ ગુણ હોય છે. આપણી આસપાસ આવી અનેક ખોટી વસ્તુઓ છે. જેને આપણે પ્રેમથી આરોગી છે. અને મોઢાંમાં મુકાતાં જ ખાટો સ્વાદ તો તરત જ પરખાય છે.
આર્યુવેદની દૃષ્ટિએ ખાટો રસ – અમ્લ રસ અગ્નિ અને પૃથ્વી મહાભૂતમાંથી બને છે. આથી બંનેના ગુણ તેમાં છે. ખાટા રસની એ જ ઓળખ છે કે ખાટું દ્રવ્ય મોઢાંમાં મૂકતા જ મોઢું પાણી-પાણી થઇ જાય છે. શરીરનાં રુંવાડાં ઊભાં થઇ જાય, દાંત અંબાઇ જાય, આંખ સંકોચાઇ જાય. આ બધી ખાટા રસ પ્રત્યે આપણાં શરીરની કુદરતી પ્રતિક્રિયા છે. ખાટો રસ એ આપણા જઠરાગ્રિને પ્રદીપ્ત કરે છે, એટલે કે સાદી ભાષામાં ખૂબ વધુ લગાડે છે. મોઢાંમાં પાણી આવવાનાં કારણે લાળનો સ્ત્રાવ વધે છે અને તેનાં કારણે બીજા પાચક સ્ત્રોવો પણ વધે છે. આમ તે પાચનમાં પણ મદદરૂપ થાય છે અને ખોરાક પ્રત્યે રૂચિ પણ લાવે છે. આથી જ ભારતીય પરંપરાના ખોરાકમાં ખાટા પદાર્થની ચટણી અથવા અથાણાં બનાવવામાં આવે છે અને તેને ખોરાક સાથે લેવામાં આવે છે. જેમ કે, આપણે કાચી કેરીનું અથાણું કરીએ છીએ. આમળાનો મુરબ્બો કરીએ છીએ અથવા ચટણીમાં પણ વાપરીએ છીએ. આ ખાટાં દ્રવ્યો ભૂખ પણ લગાડે છે અને પાચન પણ સારું રાખે છે. ભારતીય આહારપદ્વતિ કેટલી વૈજ્ઞાનિક છે તેનું આ સરસ ઉદાહરણ છે.
આટલું જ નહીં, ખાટો રસ શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ પણ સુધારે છે. લિવરમાંથી પાચકરસનો સ્ત્રાવ વધારે છે ને લિવરને પણ મદદરૂપ થાય છે. આપણે જાણીએ છીએ કે બધાં જ ખાટાં ફળોમાં વિટામિન-સી હોય છે. જેમાં ખૂબ એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે, શરીર માટે ખૂબ જરૂરી છે. ખોરાકમાંથી મળતાં એસિડ્સ જેમ કે સાઇટ્રિક એસિડ, લેક્ટિક એસિડ, મેલિક એસિડ, ઓક્સેલિક એસિડ, એસ્કોબ્રિક એસિડ એ બધા અમ્લ રસના સ્ત્રોતો છે. આ બધા શરીર માટે જરૂરી છે. શરીરને ટકાવી રાખવામાં મદદ કરે છે. અમ્લ રસ વાતદોષનું શમન કરે છે અને કફ અને પિત્તદોષને વધારે છે.
જોકે આટલા બધા ફાયદા છતાં અમ્લ રસનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઇએ. મહામારીના કારણે જે રીતે બધા લીંબુપાણી અને ખાટાં ફળોનો ઉપયોગ કરે તે યોગ્ય નથી. અમ્લ રસના વધુ પડતા ઉપયોગથી ત્વચાના રોગો, આંખ, કાન અને દાંતની સેન્ટિટિવિટી, ચાંદાં પડવાં વગેરે જેવાં લક્ષણ પણ જોવા મળી શકે છે. રક્ત પણ દુષિત થઇ શકે છે. અને પરિણામે ચામડીના રોગો જેમ કે ખરજવું, સોરાયસીસ, ખંજવાળ વગેરે પણ થઇ શકે છે. અંતમાં એટલું જ કહી શકાય કે અમ્લ રસનો માપસર ઉપયોગ થાય તે જરૂરી છે.