તબીબી નિષ્ણાતો કહે છે કે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઉચિત હોય તો હૃદય સંબંધિત બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છેઃ પ્રથમ-લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે એલડીએલ અથવા બેડ કોલેસ્ટ્રોલ. એલડીએલ વધવાથી ધમનીઓમાં પ્લેક એકઠું થાય છે, જેના લીધે બ્લોકેજ થાય છે, જે હાર્ટ એટેક - સ્ટ્રોક વગેરેનું કારણ બને છે. બીજું, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન એટલે એચડીએલ કે ગુડ કોલેસ્ટ્રોલ.
આ કોલેસ્ટ્રોલને ગુડ કેમ કહેવાય છે? હાર્વર્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર ડો. ફ્રેન્કના જણાવ્યા અનુસાર ગુડ કોલેસ્ટ્રોલ રક્તવાહિનીમાં પ્રવાહ દરમિયાન બ્લડ સ્ટ્રીમ અને ધમનીની દિવાલોથી વધારાનું કોલેસ્ટ્રોલ એકઠું કરે છે અને તેને લીવરમાં પહોંચાડે છે, જ્યાં તેને શરીરમાંથી કાઢી નખાય છે. આ પ્રક્રિયાથી હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટે છે. મેડિકલ ગાઈડલાઈન મુજબ યુવાનોમાં તેનું પ્રમાણ 40થી 60 મિગ્રા/ડીએલ હોવું જોઈએ.
આ રીતે ગુડ કોલેસ્ટ્રોલને સંતુલિત રાખી શકો છો
• વજનઃ જો તમારું વજન વધુ છે તો તેને 5થી 10 ટકા ઘટાડો. સ્થૂળ વ્યક્તિ જો 5થી 10% પણ વજન ઘટાડે છે તો તેના ગુડ કોલેસ્ટ્રોલને 5 પોઈન્ટ સુધી વધારી શકાય છે.
• બ્રિસ્ક વોકઃ સપ્તાહમાં ત્રણ દિવસ 30 મિનિટની બ્રિસ્ક વોકથી એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ સંતુલિત રાખી શકાય છે, તેમાં વધારો પણ કરી શકાય છે.
• ફાસ્ટ ફૂડ ટાળોઃ ફાસ્ટ ફૂડ અને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટવાળા ભોજનને ઘટાડીને ભોજનમાં આખું અનાજ સામેલ કરવાથી લોહીમાં ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકાય છે.
• ધુમ્રપાન છોડો: ધુમ્રપાન અને દારૂ બંનેથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે. તેનાથી દૂર રહેવું ફાયદાકારક ઉપાય છે.