પપૈયામાં વિટામિન સી અધિક હોય છે. ઉપરાંત તેમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, સાકર અને પ્રોટીન પણ હોય છે. તો એમાં પેન્ટોથેનિક એસિડ, વિટામિન એ, મેગ્નેશિયમ અને કોપર પ્રચુર માત્રામાં હોય છે. પપૈયામાં અલ્ફા અને બીટા કેરોટીન, લ્યૂટિન, જેકસૈથિન, પોટેશિયમ, લાઇકોપીન, કેલ્શિયમ અને વિવિધ શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ સમાયેલા હોય છે. પપૈયું સ્વાસ્થય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક છે.
• ત્વચાને બનાવે ચમકીલીઃ પપૈયું ત્વચાને યુવાન - હેલ્ધી બનાવે છે. તેમાં સમાયેલ એન્ટી-ઓક્સિડન્ટ ત્વચાને કરચલીવાળી, અકાળે વૃદ્ધ થતી બચાવે છે. તેમજ તેમાં સમાયેલ લાઇકોપીન અને વિટામિન-સી પપૈયા વધતી વયના સંકેતોને ઓછા કરવામાં મદદ કરે છે. તેમાં સમાયેલ અલ્ફા-હાઇડેકસી એસિડ એક એવું તત્વ છે, જે ત્વચાને ચમકીલી અને ચીકણી કરે છે. તેમાં સોડિયમ ઓછું હોવાથી ત્વચાને હાઇડ્રેટ કરે છે.
• હૃદય માટે ગુણકારીઃ ફળોમાં સમાયેલા વિટામિન - એ અને સી હૃદય માટે ફાયદાકારક છે. તે હૃદયની નસોમાં ચરબીનું આવરણ જામવા નથી દેતા ને હૃદયરોગના હુમલાથી બચાવે છે.
• સોજા-દુખાવામાં રાહતઃ પપૈયામાં સોજાને ઓછો કરવાના ગુણ હોય છે. તેમજ તેનું સેવન દુખાવામાં પણ રાહત આપે છે. સાંધાના દુખાવામાં સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.
• કેન્સરનું જોખમ ઘટાડેઃ પપૈયાનું સેવન કેન્સરના જોખમને ઓછું કરે છે. કેન્સર થેરપી દરમિયાન પપૈયાનું સેવન ફાયદાકારક છે. તે શરીરમાં કેન્સર ઉત્પન્ન કરનારા ફ્રી રેડિકલ્સની માત્રાને ઓછી કરે છે.
• રોગપ્રતિકારક શક્તિ વધારેઃ ઇમ્યુનિટી વધારવા પપૈયાનું સેવન ફાયદાકારક છે. પપૈયામાં વિટામિન સી અને અન્ય જરૂરી પોષણ તત્વો હોય છે, જે ઇમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે.
• પાચનક્રિયા સુધારેઃ પપૈયામાં ફાઇબરના ગુણ સમાયેલા છે, જે પાચન માટે ખૂબ ગુણકારી છે. પપૈયામાં રેચક એટલે કે તેમાં લેકસેટિવનો ગુણ પણ સમાયેલો હોય છે, જે કબજીયાત જેવી તકલીફ દૂર કરવામાં સહાયક છે.
• આંખનું તેજ વધારેઃ પપૈયામાં વિટામિન સી અને વિટામિન એ સમાયેલું હોય છે. વિટામિન એની ઊણપને કારણે જ આંખ સાથે જોડાયેલી સમસ્યા થતી હોય છે. આંખ માટે વિટામિન એ એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેથી જ પપૈયાને રોજિંદા આહારમાં સામેલ કરવાથી આંખની રોશનીને વધારવામાં મદદ મળે છે.
• વજનમાં ઘટાડોઃ શરીર પર મેદ વધી ગયો હોવાથી વજન ઓછું કરવું હોય તો નિયમિત પપૈયાનું સેવન કરવું. પપૈયામાં ફાઇબરની માત્રા પ્રચુર પ્રમાણમાં સમાયેલી હોય છે. જે પાચન અને પેટ માટે ફાયદાકારક માનવામાંઆવે છે. પપૈયાને રોજિંદા આહારમાં સામેલ કરવાથી વજનને સરળતાથી ઘટાડી શકાય છે.
• કોલેસ્ટ્રોલ સંતુલનઃ વધતા કોલેસ્ટ્રોલની સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. પપૈયામાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટસ અને ફાઇબરના ગુણ ભરપુર માત્રામાં હોય છે. પપૈયાનું સેવન કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલ કરે છે.
• બળતરામાં રાહતઃ ગરમીની ઋતુમાં ઘણા લોકોને શરીરમાં બળતરા થવાની ફરિયાદ રહેતી હોય છે. પપૈયાનું સેવન આ તકલીફમાં ફાયદાકારક નીવડે છે.
• પિરિયડ પેઇનમાં રાહતઃ જે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન પેડુમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે તેમણે પપૈયાનું સેવન કરવું જોઇએ.
• ઇન્ફેકશનથી રક્ષણઃ પપૈયાનું સેવન ફંગલ ઇન્ફેકશન સામે લડવામાં ઉપયોગી છે. આંતરડામાંના કૃમિનો નાશ કરે છે. ગરમીમાં શરીરને ઠંડક આપવાના પણ ગુણ સમાયેલા છે.