હેલ્થ ટિપ્સઃ ગુણોનો ભંડાર આદું અને લીલી હળદર

Saturday 15th June 2019 05:36 EDT
 
 

આદું ઘર-ઘરમાં વપરાતો મહત્ત્વનો મસાલો છે, જે દરેક ખોરાકમાં નાંખીને ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન તાજું વાપરી શકાતા આદુંને સૂકવીને તૈયાર થતો તેનો પાઉડર સૂંઠ પણ એટલી જ ઉપયોગી છે. રેસા વગરના આદુંને જો ધોઈને છાંયડે સૂકવી લેવાય તો પછી તેને બારેમાસ વાપરી શકાય છે. જેને આપણે સૂંઠ તરીકે ઓળખીએ છીએ. આદુ-સૂંઠનો શિયાળા દરમિયાન વિશેષ ઉપયોગ થાય છે કેમ કે ત્યારે ઠંડીને કારણે શરીરને વધુ કેલેરીની જરૂર પડે છે. ઠંડીમાં આદું શરીરને ગરમાવો પૂરું પાડવાનું કામ કરે છે. જો અપચાનો પ્રોબ્લેમ રહેતો હોય, ગેસ-એસિડિટી વારંવાર થતા હોય તો આદુંનો કાયમ ઉપયોગ કરવાથી તેમાં ફાયદો થઈ શકે છે. આદું તાજું ક્રશ કરીને તેમાં લીંબુનો રસ સાથે લેવાથી ફાયદાકારક રહે છે. તેમાં થોડું મધ પણ ઉમેરી શકાય. આપણે દિવસ દરમિયાન જે ખોરાક ખાઈએ છીએ તેમાંના પોષક તત્વોને શરીરમાં પચાવવા માટે આદું ઉપયોગી છે.
• વારંવાર થતી શરદીની સમસ્યા દૂર કરવા માટે, ખાસ તો શિયાળામાં થતાં સાયનસને ક્લિયર કરવા માટે આદુંનો રસ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

• ઘણી વખત અપચાને લીધે થતી ઊલટીને અથવા ઉબકાને દૂર કરવામાં સૂકું આદું (સૂંઠ) ઉપયોગી બને છે.

• મોટી ઉંમરે થતાં સાંધાના દુઃખાવા અને સોજાને દૂર કરવા પણ ભોજનમાં આદું વાપરવું જોઈએ. આદુમાં ખાસ એન્ટિ-ઈન્ફ્લેમેટરી પદાર્થ આવેલા છે, જે સોજા દૂર કરી કોઈ પણ દર્દને દૂર કરી શકે છે.

• જો વિમાન પ્રવાસ કરવાનો હોય અને ત્યારે ઊલટી કે ઉબકા આવતા હોય તો સૂંઠ લેવાથી ઉબકા દૂર રહે છે.

• વારંવાર થતી શરદીથી છુટકારો મેળવવા માટે, ખાસ તો શિયાળામાં થતી શરદીને રોકવા માટે દરરોજ સવારે નયણા કોઠે આદું, લીંબુ, હળદરનો ઉપયોગ કરવો જોઇએ. શરદી ઉપરાં તે ખાંસી પણ દૂર કરે છે.
હવે વાત કરીએ લીલી હળદરની. લીલી હળદરનો ઘેરો પીળો રસ ત્વચા પર લગાવવાથી પિગ્મેન્ટ્સ (મોં પરના કાળા ડાઘા) દૂર કરી શકાય. લીલી હળદરમાં ૫૩ ટકા ફાઈબર્સ છે. આ ઉપરાંત તેમાં વિટામિન બી-૬, વિટામિન-સી, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ, ઝિંક વિશેષ માત્રામાં છે. વળી, તેમાં કોલેસ્ટેરોલ બિલ્કુલ નથી. શિયાળામાં નિયમિતપણે થોડા પ્રમાણમાં હળદર લેવાથી એનિમિયા, યાદશક્તિને લગતા રોગો દૂર થઈ શકે છે. તેમાં આવેલા એન્ટિ-ઓક્સિડેન્ટ કેન્સર સામે રક્ષણ આપે છે. વધુ પડતું ઈન્ફેક્શન, હાઈ બ્લડપ્રેશર અને લકવાના દર્દીઓ માટે લીલી હળદરનો જ્યુસ અક્સીર છે. હળદરને આથવીને વાપરવાની રીત ખોટી છે. તેમાં ખૂબ જ મીઠું આવે છે. બને ત્યાં સુધી સવારના નયણા કોઠે હળદરનો તાજો જ્યુસ જ પીવાનો આગ્રહ રાખવો. બને ત્યાં સુધી હળદરને તાજી, મીઠાં વગર જ ખાવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter