હેલ્થ ટિપ્સઃ ગુસ્સો ચઢ્યો છે? 90 સેકન્ડનો બ્રેક લો...

Saturday 09th September 2023 06:09 EDT
 
 

ક્યારેકને ક્યારેક આપણને બધાને ગુસ્સો આવતો હોય છે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્યુનિકેશનના પ્રોફેસર બ્રેડ બુશમેન કહે છે કે જેમને પણ ગુસ્સે આવે છે એ તેનાથી છૂટકારો મેળવવા માગે છે. સંશોધન કહે છે, ‘ગુસ્સાના બે કલાક પછી હાર્ટ એટેકનું જોખમ પાંચ ગણું વધી જાય છે.’ લોકો એ જાણતા નથી કે તેનો સામનો તંદુરસ્ત રીતે કેમ કરવો, તેને હકારાત્મક શક્તિમાં કેવી રીતે રૂપાંતરિત કરવો. ગુસ્સા પર કાબૂ રાખવાથી મુશ્કેલીઓનો અંત લાવી શકાય છે. જાણો કેવી રીતે...
30-30-30નો નિયમ અપનાવો...
• દૂર થઈ જાઓઃ એન્ગર એક્સપર્ટ ટોની ફિયોરે કહે છે કે ગુસ્સો કરતી વ્યક્તિને જો તમે અટકાવો કે સમજાવવાનો પ્રયાસ કરો છો તો તેને વધુ ક્રોધ આવી શકે છે. તેવામાં પોતે જ થોડા સમય માટે દૂર રહેવું જોઈએ. પાછા આવો ત્યાં સુધીમાં ઘણું બધું બદલાઈ ગયેલું જોવા મળશે. પ્રતિભાવ શાંતિથી આપો.
• ધ્યાન હટાવોઃ એન્ગર મેનેજમેન્ટ નિષ્ણાત લૌરા મોસે કહે છે કે ક્રોધની સ્થિતિમાં પીછેહઠ કરવી મુશ્કેલ છે. તેથી જ 30-30-30ના નિયમનું પાલન કરો. ગુસ્સા પર કાબુ મેળવવા માટે 30 સેકન્ડનો સમય લો અને તે જગ્યાએથી ચાલ્યા જાઓ. 30 સેકન્ડ સુધી જૂનું ફોટો આલ્બમ જૂઓ કે ખરીદીનું લિસ્ટ બનાવવા જેવા કામ કરો. તેનાથી ધ્યાન વહેંચાઈ જશે. છેલ્લી 30 સેકન્ડમાં તમારા મુદ્દાના સમર્થન માટે મજબૂત તર્ક મેળવો.
• ગુસ્સાનું મોનિટરિંગઃ અઠવાડિયા સુધી ગુસ્સાની પરિસ્થિતિ ૫૨ નજ૨ રાખો. એટલે કે ગુસ્સો ક્યારે આવ્યો અને કેમ આવ્યો, કઈ વાતથી પરેશાન થયા. ગુસ્સો આવ્યો તો શું તમે 30 સેકન્ડના નિયમનું પાલન કર્યું? શું તેનાથી કંઇ રાહત થઇ? આ ટ્રેકિંગથી કારણ જાણીને તેનો સામનો કરવાની વ્યૂહરચના બનાવી શકાય છે.
• તાર્કિક ચર્ચા: કોઇ પણ મુદ્દે વિવાદ થતાં મોટા અવાજે જ બોલવું જરૂરી નથી. ધીમા અવાજે પણ તાર્કિક રીતે વાત કરો. ડો. જુલિયા બોમ કહે છે કે વાત કરવામાં સામેની વ્યક્તિ અને તમારા સમ્માનની કાળજી રાખો.
• આવેશનું સ્તર ઘટાડોઃ ગુસ્સો વરાળ ભરેલા ગરમ પ્રેશર કૂકર જેવો છે. ગુસ્સો બહાર કાઢતી વખતે તમે ચીસો પાડો છો. તે આવેશનું સ્તર ઊંચું રાખે છે. આ આવેશને ઘટાડવો જરૂરી છે. ઊંડા શ્વાસ લઈને, ધ્યાન અન્ય બાબત પર કેન્દ્રીત કરીને તેને ઘટાડી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter