આપણી ભારતીય રસોઇમાં વપરાતા મસાલાઓમાં અનેક ઔષધો સમાયેલા છે એ તો હવે આધુનિક વિજ્ઞાનના અભ્યાસમાં પણ પુરવાર થઇ ગયું છે. કિચનમાં રહેલી હીંગ એક એવો મસાલો છે કે જે દાળ અને શાકની સોડમ વધારવા સાથે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. રસોઈમાં હીંગના ઉપયોગથી સ્વાસ્થ્ય પણ મજબૂત બને છે. આ ઉપરાંત હીંગ શરીરને લગતી જુદી જુદી ચાર તકલીફોમાં રાહત પુરી પાડવામાં પણ ઉપયોગી છે.
• પાચનતંત્રની તકલીફઃ જો તમારી પાચનશક્તિ નબળી છે તો તેને ઠીક કરવા માટે હીંગનો નિયમિત ઉપયોગ કરો. હીંગનું પાણી પાચન માટે સારું રહે છે. તેનું સેવન કરવાથી ટોક્સિક પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તમારું પાચનતંત્ર સારું રહે છે.
• બ્લડપ્રેશર નિયંત્રણ: જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો તમે હીંગનું સેવન શરૂ કરો. હીંગમાં રહેલા કેટલાક તત્વો લોહીની ગાંઠ જામવાને રોકે છે. સાથે સાથે તેના સેવનથી તમારા શરીરમાં લોહીનું ભ્રમણ સારું થાય છે. આ કારણે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ હીંગનું સેવન જરૂર કરવું જોઈએ.
• વજન ઘટાડવા: જો તમે વધતા વજનથી પરેશાન છો તો હીંગનું પાણી પીવાનું શરૂ કરો. હીંગનું પાણી તમારા ધીમા મેટાબોલિઝમને મજબૂત અને સારું બનાવે છે અને તે વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે.
• માથાના દુખાવામાં રાહત: જો તમને સતત માથાનો દુખાવો રહે છે તો હીંગનું પાણી પીવાનું શરૂ કરો. હીંગમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ માથાના દુખાવાની સમસ્યામાં આરામ પહોંચાડે છે. આ સાથે તે બ્લડ સેલ્સના સોજાને ઘટાડવાનું પણ કામ કરે છે.
ઉપયોગ કઈ રીતે કરશો?
હીંગનો ઉપયોગ કરવા માટે તમારે તેનું પાણી બનાવીને પીવું પડશે. જો તમે હીંગને પાણીમાં નાખીને દરરોજ સેવન કરશો તો શરીરને ઘણા ફાયદા મળશે. હીંગનું પાણી બનાવવું ખૂબ સરળ છે. એક ગ્લાસ હુંફાળું પાણી લો અને તેમાં નાની અડધી ચમચી અથવા બે ચપટી જેટલો હીંગનો પાઉડર નાંખો. રોજ સવારે ખાલી પેટ તે પાણીનું સેવન કરો.