ચિયા સીડ્સ દેખાવમાં ઝીણાં ખરાં, પણ તેમાં વિટામિન્સ ઉપરાંત અનેક પોષકતત્ત્વો સમાયેલાં છે. આ પોષણ એવું છે જે વધતી વયે શરીરને સ્વસ્થ રાખવા સાથે મૂડ પણ મજાનો રાખે છે. વય વધવાની સાથે શરીરમાં મેટાબોલીઝમ સિસ્ટમમાં ફેરફાર થાય છે. જેમ કે, પાચનની ક્રિયા મંદ પડી જવી. પરિણામે બોડી માસ અને હાડકાંની મજબૂતાઇને અસર થાય છે અને તેની અસર જીવનની ગુણવત્તા પ૨ પડે છે. આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોષકતત્ત્વોની જરૂરિયાત વધતી વયે વધારે પડે છે. પોષકતત્ત્વોથી ભરપૂર ખોરાક સાથે ઘણા લોકોને કેટલીક સપ્લીમેન્ટ્સ પણ લેવાની જરૂર પડે છે. ચિયા સીડ્સને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. કદમાં સાવ ઝીણા લાગતા આ ચિયા સીડ્સના બે ચમચામાં 138 કેલરી, 10 ગ્રામ ફાઇબર, 9 ગ્રામ ફેટ અને 5 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. તે શરીરની કેલ્શિયમની રોજિંદી જરૂરિયાતની 17 ટકા, આયર્નની 12 ટકા અને મેગ્નેશિયમની 23 ટકા પૂર્તિ કરે છે. ચિયા સીડ્સનો સ્વાદ નથી હોતો પણ તેનું પોષણમૂલ્ય ઘણું છે. તેને તમે સલાડથી લઇને સ્મૂધીમાં ઉમેરી શકો છો કે પછી અન્ય કોઇ પણ પ્રકારે ખાઇ શકો છો. હવે તેના લાભ અંગે જાણીએ.
• હાડકાં માટે સારાઃ વિટામિન્સ અને ખનીજ તત્ત્વોથી ભરપૂર ચિયા સીડ્સ શરી૨માં દિવસના જરૂરી કેલ્શિયમના 20 ટકાની પૂર્તિ કરે છે. વય વધવા સાથે શરીરના હાડકાં બરડ બને છે અને ક્યારેક પડવા કે વાગવાથી ફ્રેક્ચર થઇ શકે છે. કેલ્શિયમ ઉપરાંત, ચિયા સીડ્સમાં ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ છે જે શારીરિક સ્વસ્થતા માટે ખૂબ જરૂરી છે. શેકેલા ચિયા સીડ્સને સ્મૂધી અથવા સલાડમાં ભેળવીને લેવાથી ઊર્જામાં વધારો થાય છે.
• એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂરઃ ચિયા સીડ્સમાં એન્ટિઓક્સિડન્ટ્સ વધારે હોવાથી તે કોષોને થયેલા નુકસાનને દૂર કરવામાં શરીરને આપમેળે જ તૈયાર કરે છે. એન્ટિઓક્સિડન્ટ્સથી શરીર કોષને નુકસાન પહોંચાડતા રેડિકલ્સનો સામનો કરે છે જે કેન્સર જેવા રોગોને દૂર ક૨વામાં મદદરૂપ થાય છે.
• ખનિજનો ખજાનોઃ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેંગેનીઝનું સમાન પ્રમાણ ધરાવતા ચિયા સીડ્સનો રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. મેંગેનીઝ કોલાજન ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. કેલ્શિયમથી હાડકાં સ્વસ્થ અને મજબૂત રહે છે. મેગ્નેશિયમ મૂડ સારો રાખવા અને ગાઢ ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે, તો ફોસ્ફરસ કોષનું બંધારણ કરે છે.
• વિપુલ ફાઈબરઃ ચિયા સીડ્સમાં ફાઇબર 40 ટકા હોય છે. ફાઇબર સોલ્યુબલ હોવાથી પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે જેથી વારંવાર કંઇક ખાવાની કે નાસ્તો કરવાની ઇચ્છા થતી નથી. જેના કારણે વજન વધતું નથી.
• હૃદયને સ્વસ્થ રાખેઃ અભ્યાસો અનુસાર, ચિયા સીડ્સ ‘સારા’ કોલેસ્ટેરોલ અથવા હાઇ-ડેન્સિટી લિપોપ્રોટીન (એચડીએલ)માં વધારો કરે છે. આ ઉપરાંત, તેમાં કેફિક એસિડ અને ક્વેર્સેટિન એન્ટિઓક્સિડન્ટ્સ પણ છે જે હૃદયની સ્થિતિને સારી રાખવામાં અને હૃદયરોગથી બચાવવામાં મદદ કરે છે.
• પ્રોટીનથી સમૃદ્ધઃ વીગન્સ અને શાકાહારીઓ માટે ચિયા સીડ્સ પ્રોટીન તથા એમિનો એસિડ્સનો ભરપૂર સ્રોત છે. ચિયા સીડ્સમાં 14 ટકા પ્રોટીન હોય છે જે શાકભાજીની સરખામણીએ ઘણું વધારે છે.