હેલ્થ ટિપ્સઃ જો કોઈ વાત યાદ ન આવે, તો આંખો બંધ કરીને યાદ કરો...

Sunday 28th March 2021 05:26 EDT
 
 

શું તમને કોઇ વાત યાદ નથી આવતી? કોઇ ચીજવસ્તુ ક્યાંય મૂકી દીધાનું યાદ નથી આવતું? ડોન્ટ વરી, પેનિક થવાની જરૂર નથી. થોડીક સેકન્ડ આંખો બંધ કરીને તેને યાદ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી ભૂલાયેલી વાત યાદ કરવામાં મદદ મળે છે.
બ્રિટિશ સંશોધકોએ આ મુદ્દે સંશોધન કર્યું છે. સંશોધનનું પરિણામ એ આવ્યું છે કે આંખો ખુલ્લી રાખીને યાદ કરવાને બદલે આંખો બંધ કરીને વિચારવાથી સ્મૃતિ ક્ષમતા ૨૩ ટકા વધે છે, અને ભૂલાયેલી વાત યાદ તાજી થઇ જવાની શક્યતા વધી જાય છે. લીગલ એન્ડ ક્રિમિનોલોજી સાઇકોલોજી જર્નલમાં આ અભ્યાસનું પ્રકાશન થયું છે. એસ્ટન યુનિવર્સિટીના સાઇકોલોજી વિભાગના પ્રાધ્યાક અને સંશોધનકર્તા રોબર્ટ નેશ કહે છે કે તમારી આસપાસની ખલેલ પહોંચાડતી વસ્તુઓ પરથી નજર હટાવી લેવાથી મસ્તિષ્કમાં સામંજસ્ય બેસાડવાની ક્ષમતામાં વધારો થાય છે. તેના કારણે એકાગ્રતા વધે છે અને તમે જે યાદ કરવા માંગતા હો છો તે જલદી યાદ આવે છે.
રોબર્ટ કહે છે કે આંખો બંધ કરવાથી જૂની વાતો અને જાણકારીઓની મસ્તિષ્કમાં એક તસવીર બનવા લાગે છે. સંશોધન કહે છે કે વધુ પડતી બેચેની અને માનસિક તંગદિલી વચ્ચે કેટલીક બાબતો યાદ કરવી મુશ્કેલ બની રહે છે. જ્યારે કંઈક યાદ કરવું હોય ત્યારે મસ્તિષ્ક પર દબાણ ના વધારો.
ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ ૨૯,૫૦૦ લોકો પર ઓનલાઈન સર્વે કરીને સ્મૃતિશક્તિ વધારવાના કેટલાક ઉપાયો સૂચવ્યા છે. જેમ કે, દરરોજ એકાદ કલાકથી વધુ ટીવી ના જુઓ. શરાબસેવન ઓછામાં ઓછું કહીને. કેફી દ્રવ્યના સેવનથી બચો. નોવેલ અને પુસ્તકો વાંચો... વગેરે વગેરે.
શોર્ટ ટર્મ મેમરી અને લોન્ગ ટર્મ મેમરી વચ્ચે શું તફાવત છે?
બે પ્રકારની યાદોની મદદથી આપણે કામ કરીએ છીએ. એક છે શોર્ટ ટર્મ મેમરી અને બીજી છે લોન્ગ ટર્મ મેમરી. શોર્ટ ટર્મ મેમરી ૨૦થી ૩૦ સેકન્ડ સુધી જ ટકી શકે છે. આ યાદશક્તિ એવા કાર્યો અને વિચારો માટે હોય છે, જેના પર આપણે એ સમયે કામ કરવા હોઇએ છીએ. જ્યારે લોન્ગ ટર્મ મેમરી અનેક દિવસો, મહિના અને દાયકાઓ સુધી ટકી રહે છે. આ યાદો આપણા અવચેતનમાં સંગ્રહિત થઇ જાય છે. અને આપણને જ્યારે તેની જરૂર હોય ત્યારે માનસપટ પર ઉપસે છે. આંખો બંધ કરીને વિચારીવાથી તે સરળ બને છે.
યાદશક્તિ વધારવા આટલું કરો...
• દરરોજ ૧ કલાકથી વધુ સમય ટીવી જોવાનું ટાળો.
• આલ્કોહોલ કે તેના જેવા પદાર્થોનું નું સેવન ઓછામાં ઓછું કરો, ડ્રગ્સથી તો હંમેશા બચો.
• નોવેલ્સ, પુસ્તકો વાંચો. મનગમતી વાચનપ્રવૃત્તિ તમારા સ્મૃતિપટલને સક્રિય રાખશે.
• ક્રોસવર્ડના કોયડા ઉકેલો. મગજને હંમેશા કસતા રહો.
• શું તમે માંસાહારી છો? તો ભોજનમાં માછલીને સામેલ કરો.
• ચા અથવા કોફીનું સેવન કરો, પણ મર્યાદિત પ્રમાણમાં. ચાલો, ઘરમાં બેઠા છીએ, નવરાં બેઠાં છીએ તો ચા - કોફી ગટગટાવીએ આ અભિગમ ટાળો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter