દરરોજ અડધી મૂઠી અખરોટનું સેવન ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ ઘટાડતું હોવાનું તાજેતરના અભ્યાસમાં જણાયું છે. ૩૪ હજાર કરતાં પણ વધારે અમેરિકીઓને આવરી લેતા આ અભ્યાસના તારણ કહે છે કે અખરોટ આરોગવાથી ડાયાબિટીસ જેવા રોગ થવાની શક્યતા ઘટી જાય છે. જો કોઇ વ્યક્તિ રોજ દોઢ ચમચી જેટલાં અખરોટ ખાતી હોય તે પ્રમાણ વધારીને ત્રણ ચમચી જેટલાં અખરોટ આરોગે તો ટાઇપ-ટુ ડાયાબિટીસ થવાનું જોખમ ૪૭ ટકા જેટલું ઘટી જાય છે.
સંશોધક ડો. લેનોર આરબનું કહેવું છે કે અખરોટ અને ડાયાબિટીસને અટકાવવાના પ્રયાસ વચ્ચે ગાઢ સંબંધ જોવા મળે છે. સંશોધકોના મતે અખરોટ અને હૃદયનાં આરોગ્ય વચ્ચે પણ સંબંધ છે. નેશનલ હેલ્થ ન્યૂટ્રીશન સર્વેના આંકડાઓને સર્વેક્ષણમાં ચકાસાયા હતા, જ્યાં તેમનાં ધ્યાને આવ્યું હતું કે જે લોકો અખરોટ નહોતાં આરોગતાં તેમના મુકાબલે નિયમિતપણે અખરોટ આરોગતાં હોય તેવાં લોકોના કિસ્સામાં ડાયાબિટીસનું જોખમ ઓછું જણાતું હતું. જે લોકોને ડાયાબિટીસ થયો હોય છે તે જો સ્વાસ્થ્ય સંબંધિત પૂરતી કાળજી ન લે તો તેમને ધીરે ધીરે બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ અને તે પછી હૃદયરોગનું જોખમ પણ વધતું હોય છે.
અખરોટ તંદુરસ્તીને કઇ રીતે વધારે છે?
ભૂતકાળમાં પણ અખરોટ અને હૃદયસંબંધી તંદુરસ્તી તેમજ અખરોટ અને ડાયાબિટીસ વચ્ચેના સંબંધના અભ્યાસ થયા હતા. કહેવાય છે કે અખરોટના એક ઔંસમાં પોલિઅનસેટયૂરેટેડ ફેટનું ૧૩ ગ્રામ જેટલું પ્રમાણ હોય છે, તે ઉપરાંત પ્રતિ ઔંસ આલ્ફાલનોનેનિક એસિડનું પણ ૨.૫ ગ્રામ પ્રમાણ હોય છે. અગાઉ મે મહિનામાં કેટલાક સંશોધકોએ જણાવ્યું હતું કે અખરોટ આરોગવાથી હૃદયરોગ અને આંતરડાના કેન્સર જેવા રોગથી બચવામાં મદદ મળે છે. છ સપ્તાહ સુધી અખરોટનું સેવન કરવાથી બાઇલએસિડનું વધુ પડતું ઉત્પાદન થતું અટકે છે ને કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે. સંશોધકો બાઇલએસિડના વધુ પડતા પ્રમાણને આંતરડાના કેન્સર સાથે સંબંધ હોય છે, પરંતુ તે એસિડનું પ્રમાણ ઘટતાં કેન્સરનું જોખમ ઘટી જાય છે. આ જ રીતે કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટતાં હૃદયરોગનું જોખમ પણ ઘટે છે.