વૃદ્ધાવસ્થાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. તેના કારણે વડીલોમાં બીમારીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. શરીરમાં તાપમાનનો ઘટાડો થવાથી રક્તવાહિનીઓ સંકુચિત થાય છે, જેના કારણે આખા શરીરમાં ઓક્સિજન પહોંચવું મુશ્કેલ બની જાય છે. વડીલો ગંભીર બીમારીઓનો ભોગ બની શકે છે. આ ઉપરાંત શ્વાસ સંબંધિત સમસ્યાઓ અને અસ્થમા અટેકની સમસ્યા પણ સર્જાઈ શકે છે. શરદીમાં ચામડી વધારે પડતી શુષ્ક બની જાય છે. તેના કારણે ડિહાઈડ્રેશન અને ચામડી સંબંધિત રોગ થાય છે. આ કારણસર ઠંડીની ઋતુમાં શરીરનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. આ માટે નીચે આપેલી કેટલીક ટીપ્સ તમે ફોલો કરી શકો છો.
• સક્રિય રહોઃ શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવા માટે બને એટલું ઘરમાં જ રહો. હાઈપોથર્મિયાથી બચવા માટે ગરમ પાણી પીવું તેમજ જરૂરિયાત મુજબ ગરમ કપડાં પહેરવા. ઘરમાં રહેવું સુરક્ષિત છે, પણ આ સાથે એ બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ઘરમાં રહીને શરીરની સામાન્ય ગતિવિધિ ઓછી થવી જોઈએ નહીં. સક્રિય રહેવાથી પરસેવો થાય છે અને પરસેવા રૂપે શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે. તેનાથી ચામડી સ્વસ્થ રહે છે. આ ઉપરાંત બ્લડ સર્કયુલેશન સારું થાય છે તથા શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ પણ વધે છે.
• શરીરને હાઈડ્રેટેડ રાખોઃ ઠંડીની ઋતુમાં સામાન્ય રીતે પાણી ઓછું પીવાય છે. તેમજ હવામાં પણ ભેજના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ કારણે શરીર ડીહાઈડ્રેટ થાય છે. ડિહાઈડ્રેશનથી બચવા માટે દિવસ દરમિયાન પ્રવાહી પદાર્થોનું સેવન કરવું જરૂરી છે.
• ચામડીની સંભાળ રાખવીઃ ઠંડા અને શુષ્ક વાતાવરણમાં પરસેવાની ગ્રંથિઓ સંકુચિત થઈ જાય છે, જે ચામડીને શુષ્ક બનાવે છે. દિવસ દરમિયાન ચામડીને મોઈશ્ચરાઈઝ કરતા રહો. પાણી તેમજ અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવાથી ચામડીને કુણી રાખવામાં મદદ મળે છે.
• પોષક આહારનું સેવનઃ ઠંડીના દિવસોમાં પોષક તત્ત્વોયુક્ત આહાર આરોગો. શિયાળામાં વિટામિન ડી, વિટામિન બી12, વિટામિન સી તેમજ મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઓમેગા 3 ફેટી એસિડ જેવા વિટામિન શરીરને મળી રહે તેવો આહાર આરોગવો જોઈએ. વિટામિન ડી, કેલ્શિયમ અને ઓમેગા 3 ફેટી એસિડનું સેવન કરવાથી સાંધા અને પગનો દુખાવો ઓછો થાય છે. આ ઉપરાંત તુલસી, ગિલોય, અશ્વગંધા, લીલી હળદર, મરી અને ફુદીના જેવી ઔષધી પણ શિયાળામાં દવાનું કામ કરે છે. પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓકસિડન્ટ હોય છે જે શરીરમાં થતા બ્લડ સર્ક્યુલેશન માટે લાભકારી હોય છે.
• ડેઈલી રુટિન ફોલો કરોઃ ઓમેગા 3 ફેટી એસિડથી દિવસની શરૂઆત કરો. દિવસના અંતે એક ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું. તેનાથી ઊંઘ સારી આવે છે અને પાચનક્રિયા પણ સારી રહે છે. આ સિવાય તમારો રોજિંદો આહાર લો ફેટ રાખશો તો શરીર સ્વસ્થ રહેશે અને હળવાશ અનુભવશો.
આ ઉપરાંત સરળ યોગ અને કસરતોનો તમારી રોજિંદી ક્રિયામાં સમાવેશ કરવો. આ કસરતો મગજને સક્રિય રાખે છે.