આજકાલ ડાયાબિટીસ અને કોલેસ્ટરોલની સમસ્યાઓ વધી ગઈ છે પરંતુ, તમને જાણ છે ખરી કે લીલાંછમ ભીંડાનું સેવન કરવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખી શકાય છે? પરિતૃપ્ત કરી દેનારા ડાયટરી ફાઈબરમાં સમૃદ્ધ હોવાની સાથે ભીંડા શર્કરા-સુગરના રીલિઝ થવામાં વિલંબ કરે છે અને ભૂખને ઘટાડીને કેલરી લેવાનું પ્રમાણ પણ ઘટાડે છે. તેમાં રહેલું પેક્ટિન તત્વ ખરાબ કોલેસ્ટરોલ – LDL (લો-ડેન્સિટી લિપોપ્રોટીન)ને ઘટાડે અને સારા કોલેસ્ટરોલ HDL (હાઈ-ડેન્સિટી લિપોપ્રોટીન)ને વધારે છે જેનાથી હૃદયના આરોગ્યનું રક્ષણ થાય છે. આવા ગુણોના કારણે જ સરળતાથી મળતા અને ઝડપથી રાંધી શકાતા ભીંડાને સુપરફૂડ કહેવાય છે.
તમે માનશો નહિ પરંતુ, ભીંડા ફળના વર્ગીકરણમાં આવે છે છતાં, તેનો ઉપયોગ શાકની માફક થાય છે. ડાયાબિટીક્સ માટે ભીંડાનું સેવન સૌથી સારું ગણાય છે કારણ કે તેમાં ઓગળે નહિ તેવા રેષાતત્વો ભરપૂર પ્રમાણમાં હોવાથી તેને ખાવાથી પરિતૃપ્તિનો ઓડકાર આવી જાય છે જેના પરિણામે ખોરાકમાંથી શર્કરા પેદા થવામાં વિલંબ થાય છે અને વારંવાર લાગતી ભૂખ મર્યાદિત બનવાથી શરીરમાં લેવાતી કેલરીનું પ્રમાણ પણ ઘટે છે. બીજું કારણ એ છે કે તે આંતરડામાં સુગરનું શોષણ નિયંત્રિત બનાવે છે.
એક અભ્યાસમાં સંશોધકોએ ડાયાબિટીક ઉંદરને ભીંડાની સૂકાયેલી છાલનો ભૂકો અને બીયાંનો ખોરાક આપ્યો હતો જેનાથી તેમના બ્લડ ગ્લુકોઝના સ્તરમાં ઘટાડો જોવાં મળ્યો હતો. અન્ય ઉંદરોને આશરે 10 દિવસ સુધી ભીંડાના અર્કનો ખોરાક નિયમિત આપ્યા પછી તેમના બ્લડ ગ્લુકોઝના સ્તરમાં તબક્કાવાર ઘટાડો જણાયો હતો.
ભીંડો કઇ રીતે બ્લડ ગ્લુકોઝ કાબુમાં રાખે છે?
ભીંડામાં સોલ્યુબલ અને ઈન્સોલ્યુબલ રેષાં - ફાઈબરનું પ્રતિ 100 ગ્રામમાં 4 ગ્રામ જેટલું ભરપૂર પ્રમાણ છે. આના કારણે તેના પાચન અને અણુઓને તૂટવામાં અને પાચનની પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે. આથી લોહીમાં સુગર રીલિઝ થવાનો સમય પણ લંબાય છે. પરિણામે કોઈ પણ સમયે બ્લડ સુગર ઝાટકા સાથે વધતી નથી અને તેનું પ્રમાણ સ્થિર રહે છે. આંતરડામાં સુગરના શોષણને ધીમું પાડવાની ભીંડાની ક્ષમતાના લીધે જ બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. ખોરાક ખાધાં પછી તેમાંથી પેદા થતી સુગર તમારાં શરીરના લોહીમાં કેટલી ઝડપથી ભળે છે તે માપતો ગ્લાયસેમિક ઈન્ડેક્સ (GI) ભીંડામાં નીચો છે.
આ ઉપરાંત, ભીંડામાં ફીટોકેમિકલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ તેમજ પોટેશિયમ, લિનોલિક એસિડ, વિટામીન સી અને વિટામીન બી, પ્રોટીન અને ફોલેટ જેવાં પોષકતત્વો પણ સારાં પ્રમાણમાં હોય છે. તેમાંથી મળતી ઓછી કેલરી અને વધુ પ્રવાહીના લીધે વજનને માપમાં રાખવામાં પણ મદદ મળે છે. ભીંડામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ કોષોને ઓક્સિડેટિવ નુકસાનને અટકાવે છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે. તે એનીમિયાને પણ અટકાવે છે. ભીંડામાં રહેલો ચીકણો પદાર્થ કોલેસ્ટરોલ સાથે જોડાય છે અને લિવરમાં ધકેલાતા બાઈલ એસિડમાંથી કચરા-ટોક્સિન્સને ખેંચી લે છે.
કદાચ તમારા દાદીમાએ કહ્યું હશે કે લોહીની વધતી ખાંડને કાબુમાં લેવા કાપેલા ભીંડાને આખી રાત પાણીમાં પલાળી સવારમાં તે પાણી પી જવું જોઈએ. તમારા માનવામાં પણ નહિ આવે પરંતુ, માનવીઓ પર ક્લિનિકલ અભ્યાસોમાં આ બાબતે પ્રોત્સાહક પરિણામો જોવાં મળ્યા છે જેના કારણે પરંપરાગત તર્ક પુરાવાસંગત ગણાયા છે. તમારે પણ આ દાદીમાના નુસખાનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ