હેલ્થ ટિપ્સઃ ડિપ્રેશનની સમસ્યાથી બચવાના રસ્તા...

Saturday 09th July 2022 08:59 EDT
 
 

આપણામાં કહેવત છે કે, બાળકો ઘડપણની લાકડી હોય છે, પણ વર્તમાનમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે તેઓ માતા-પિતાની પૂરતી સંભાળ લઇ શકતા નથી. પરિણામે સંતાનો હોવા છતાં પણ વડીલો એકલ જીવન પસાર કરે છે અને ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર બને છે. જોકે ડિપ્રેશન પાછળ બીજા અન્ય કારણો પણ જવાબદાર હોય છે. ઘણી વખત શરીરમાં વધતી બીમારીને કારણે પણ ડિપ્રેશનનો ભોગ બનાય છે. મોટા ભાગે એકલતા અને બીમારી જ ડિપ્રેશનનું મૂળ કારણ બને છે, પણ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ડિપ્રેશનની સમસ્યાને કેટલાક અંશે ઓછી કરી શકાય છે. તેનાથી બચવા માટે તમે નીચે મુજબની કેટલી બાબતો તમારા જીવનમાં ફોલો કરી શકો છો જે તમને ડિપ્રેશનની સમસ્યામાંથી બચવા માટે મદદરૂપ થશે.

• કસરત-યોગ-મેડિટેશનઃ વધતી વયે તન-મનથી ફિટ રહેવા અને ડિપ્રેશનથી બચવા માટે રોજિંદા જીવનમાં નિયમિત કસરત, યોગ તેમજ મેડિટેશનનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી રહેશે અને તણાવ ટાળી શકશો. આ ઉપરાંત તમને આખો દિવસ તાજગીભર્યો અનુભવશે.
• હેલ્ધી ડાયટઃ જો તમે ખાનપાનમાં પરેજી જાળવશો તો તમારું સ્વાસ્થ સારું રહેશે અને મોટા ભાગની બીમારીઓથી બચી શકશો. તમારા ડાયટની અસર તમારા ડિપ્રેશન પર પણ પડે છે. આ કારણે હેલ્ધી અને ફ્રેશ ફૂડ ખાવાથી તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ સારું રહેશે અને તમે ડિપ્રેશનથી પણ બચી શકશો.
• જાત માટે સમયઃ વધતી વયે જો તમે ડિપ્રેશનથી બચવા માગતા હોવ તો પોતાની જાત માટે સમય ફાળવો. મેડિટેશન કરો, મિત્રોને મળતા રહો, તમારી મનગમતી પ્રવૃત્તિ કરી જાતને વ્યસ્ત રાખો. તેનાથી તમારું મગજ કાર્યરત રહેશે. તમને કોઈ ખરાબ વિચારો આવશે નહીં તેમજ તમે ડિપ્રેશનથી પણ બચી શકશો.
• રુટિન સેટ કરોઃ ઘડપણમાં વડીલોને ખાલીપો અને એકલતા વધારે કોરી ખાય છે. આ ઉંમરે જીવન જાણે થંભી જાય છે. આ સમસ્યાથી બચવા માટે એક રુટિન સેટ કરવું જરૂરી છે. આખો દિવસ તમે શું શું કરશો અને ક્યા સમયે કઈ એક્ટિવિટી કરશો તેનું એક ટાઈમ ટેબલ બનાવો. બને ત્યાં સુધી તેને અનુસરવા પ્રયત્ન કરો, અને ધારો કે કોઇક દિવસ તેનો અમલ ન થઇ શકે તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. એક રુટિન સેટ થયેલું હશે તો તમારો આખો દિવસ સારી રીતે પસાર થશે.
• હોબી-શોખ કેળવોઃ ડિપ્રેશનથી બચવા માટે તમારા રુટિનમાં કોઈ એક શોખનો ચોક્કસથી સમાવેશ કરો. તેનાથી તમે જાત માટે અને તમારી પસંદગીનું કાર્ય કરવા માટે સમય ફાળવી શકશો. તમારું મન પ્રફુલ્લિત રહેશે. રુટિન બનાવવાથી તમને અનિદ્રાની સમસ્યા પણ રહેશે નહીં. એક ચોક્કસ સમયે સુવાની આદત પાડો અને સવારે વહેલા ઊઠો. એક પ્રોપર રુટિનને ફોલો કરવાથી પણ ડિપ્રેશનથી બચી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter