રોજિંદા આહારમાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. કાચી ડુંગળી એવી શાકભાજી છે જેમાં વિવિધ વિટામીન્સ, મિનરલ્સ જેવા રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા પોષકતત્ત્વો રહેલાં છે. ડુંગળીમાં રહેલા ઔષધીય તત્ત્વોને લીધે જ પ્રાચીન કાળથી ભોજનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાચી ડુંગળી માથાનો દુખાવો, હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવા દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે. ડુંગળીમાં રહેલા ફ્લેવોનોઇડ્સ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે થિયોસલ્ફિનેટ લોહીને પાતળું રાખવામાં મદદરૂપ થાય છે. જેથી હાર્ટ એટેકના હુમલાને પણ રોકી શકાય છે.
એશિયા પેસિફિક જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી દ્વારા ૨૦૧૯માં એક વિસ્તૃત અભ્યાસ જાણવા મળ્યું હતું કે ડુંગળી જેવા એલિયમ શાકભાજીના નિયમિત સેવનથી કોલેરેક્ટલ કેન્સરના જોખમમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ડુંગળી એન્ટિ-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્રોત છે. જેમાં ૨૫ વિવિધ પ્રકારના ફ્લેવેનોઈડ એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે. જે કેન્સર જ નહીં, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ જેવા રોગો સામે પણ રક્ષણ આપવા માટે ઉપયોગી છે. એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે. આથી જ કોઈ પણ કચૂંબરમાં કાચી ડુંગળી અવશ્ય ઉમેરવી જોઈએ. ડુંગળીમાં રહેલ વિટામીન એ, સી અને કે પિગમેન્ટેશનથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ થાય છે.