જેટલી માત્રામાં અને જેટલી ગતિથી વાળ આપણાં વાળ ખરે છે, તેટલી માત્રામાં અને તેટલી જ ગતિથી નવા વાળ ઊગતા નથી. પરિણામ એ આવે છે કે વાળનો ગ્રોથ દિવસે ને દિવસે ઘટી જાય છે અને આપણા વાળ સાવ પાંખા લાગવા માંડે છે. શું તમે કોઈ વાર વિચાર્યું કે ફિલ્મી એક્ટ્રેસ પોતાના વાળમાં કેટલાંય એક્સપેરિમેન્ટ કરાવતી હોય છે તેમ છતાં તે લોકોના વાળ આટલા સારા કઈ રીતે રહી શકે છે? તો તેનો જવાબ છે જરૂરી દેખભાળ. વાળ માટે અમુક સંભાળ અતિ આવશ્યક છે.
આજના સમયમાં સ્ત્રીઓની મોટી સમસ્યા તેમના ખરતાં વાળ છે. દોડધામભરી જિંદગી, અઢળક ટેન્શન, પ્રદૂષણયુક્ત, ચિંતા અને વાળની જરૂરી દેખભાળની ઊણપના કારણે વાળ ખરતાં હોય છે. જો તમારે પણ તમારા વાળને મજબૂત રાખવા હશે તો તેની થોડી સંભાળ તો લેવી જ પડશે અને આમાં તમને વઘારમાં લિજ્જત લાવતો મીઠો લીમડો ખૂબ કામ લાગશે.
લીમડો માત્ર ભોજનની જ સોડમ વધારે છે એવું નથી. મીઠા લીમડામાં બી-૧૨ ભરપૂર માત્રામાં હોય છે. તેથી જો તમે રોજ દસ પાન મીઠા લીમડાના ચાવી જશો તો ક્યારેય તમારા શરીરમાં બી-૧૨ની ઊણપ નહીં આવે, અને આ કારણે તમારી ત્વચા તેમજ વાળ હંમેશા મજબૂત બની રહેશે. મીઠો લીમડો વાળને ખરતાં અટકાવવામાં કઈ રીતે ઉપયોગી બને છે તેની ઉપર એક નજર કરી લઈએ.
મીઠા લીમડાથી શું થાય ફાયદો?
મીઠા લીમડામાં એન્ટિ-ઓક્સિડન્ટ અને બી-૧૨ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણી ત્વચા અને વાળ માટે ઉપયોગી છે. તે આપણા સ્કાલ્પને હાઇડ્રેટ કરે છે અને મૃત કોષોને હટાવી ત્યાં નવા કોષો ઉત્પન્ન કરે છે, જેથી વાળ ત્યાં ઊગે છે અને હેર ગ્રોથ વધે છે.
મીઠા લીમડાના વિટામિન્સ વાળના મૂળને મજબૂત બનાવે છે. તેમાં રહેલું બીટા કેરોટીન અને પ્રોટીન્સ વાળને કુદરતી ચમક આપે છે. મીઠા લીમડામાં એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણો પણ સમાયેલા છે. જેથી ઉનાળામાં સ્કાલ્પમાંથી પરસેવાની વાસ નથી આવતી અને ખોડાની સમસ્યા પણ દૂર થાય છે.
વાળમાં કઇ રીતે ઉપયોગ કરશો?
નાળિયેર તેલમાં મીઠા લીમડાના સાતથી આઠ પાન નાખીને તેલને થોડું ઉકાળી લો, જ્યારે તેલમાંથી તમને મીઠા લીમડાની સુગંધ આવે કે તરત તેલને ગેસ ઉપરથી ઉતારી થોડું ઠંડું થવા દો. તેલ ઠંડું થાય એટલે તે તેલની માલિશ માથામાં હળવે હાથે કરો. આખી રાત તેલવાળું માથું રાખી બીજે દિવસે સવારે વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય અજમાવવાથી વાળ ખરતા બંધ થઈ જશે.
• જો વાળમાં ખોડાની સમસ્યા હોય તો નાળિયેર તેલમાં મીઠા લીમડાનાં દસ-પંદર પાન અને મેથીના દસ દાણા નાખી તેલને ઉકાળી લો. તેલમાંથી મેથી અને મીઠા લીમડાની સુગંધ આવે કે તરત તેલને ગેસ પરથી ઉતારી લો અને તેલ ઠંડું થયા બાદ તે તેલને સ્કાલ્પમાં હળવે હાથે મસાજ કરી નાખો.
• વાળને સિલ્કી અને શાઇની બનાવવા માટે દહીંમાં મીઠા લીમડાના પાન વાટીને નાખો. તે મિશ્રણમાં ત્રણ ચમચી બદામનું તેલ કે તલનું તેલ મિક્સ કરો. આ પેકને વાળમાં લગાવો. આશરે ૨૦થી ૨૫ મિનિટ સુધી પેક રાખી ધોઈ નાખવાથી વાળમાં કુદરતી ચમક આવશે.