તમારા શરીરને સદાબહાર સ્વસ્થ રાખવું હોય તો આ પ્રકારનો ખોરાક ટાળો...
• વારંવાર તળેલા કે વધારે ચરબીયુક્ત ખોરાક ના લેશો
આવા ખોરાકમાં ચરબી વધારે હોય. તમને કદાચ આવો ખોરાક વધારે ભાવે અને તમે વધારે ખાઓ ત્યારે વજન વધે અને કોઈ વાર ઝાડા પણ થઈ જાય. એક વાર જે તેલમાં ભજીયા, દાળવડા, સમોસા, પેટીસ, ફાફડા વગેરે તળ્યા હોય તે જ તેલનો ફરી તળવા માટે ઉપયોગ કરાય ત્યારે તેમાં ‘હાયડ્રોકાર્બન’ ભળે છે, જેથી કેન્સર થઇ શકે છે. આ ઉપરાંત આવા ખોરાકમાં તેલ (ચરબી) તો વધારે હોય જ, પણ સ્વાદિષ્ટ બનાવવા વધારે મરચું, મીઠું અને ખટાશ હોય. ઘી અથવા ટ્રાન્સફેટથી બનાવેલી મીઠાઈઓ પણ ખૂબ ભાવે પણ શરીરને ખાવાનું ગમે તો કોઈક વાર ઠીક છે, ચાખો પણ રોજની ટેવ સારી નહીં. આવા ખોરાક લેવાથી વજન વધશે. બ્લડ પ્રેશર થશે. ડાયાબિટીસ અને હાર્ટ એટેક પણ આવે અને કેન્સર થવાની શક્યતા પણ થાય.
• આર્ટિફિશિયલ (કૃત્રિમ) સુગર અને
પ્રિઝર્વેટિવ નાખેલી ખોરાકની વસ્તુઓ
આ બધામાં મોટેભાગે ‘સોર્બિટોલ’ હોય છે. ચા, કોફી, દૂધમાં આખા દિવસની પાંચથી વધારે ગોળી ના લેશો. હવે બજારમાં ‘સ્ટિવિયા’ નામના છોડના પાનમાંથી બનાવેલી સુગર સપ્લીમેન્ટ મળે છે જે કુદરતી સુગર છે તે ઓરિજિનલ છે કે નહીં તેની ખાત્રી કરીને લેશો. કુત્રિમ સુગર લેશો તો ક્રેમ્પસ (સ્નાયુ ખેંચાવા)ની તકલીફ થશે અને કોઈ વાર ઝાડા પણ થઈ શકે અને ‘હાએટ્સ હર્નિયા’ (હોજરીનો થોડો ભાગ અન્નનળીમાં ચઢી જવો) જેવું થવાની પૂરી શક્યતા છે. પ્રિઝર્વેટિવ નાખેલા ખોરાકમાં આરોગ્યના ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે.
• વધારે ફાઈબરયુક્ત ખોરાક પ્રમાણસર લેશો
તમારા રોજના ખોરાકમાં ૩૦ ગ્રામથી વધારે ફાઈબર (રેસા) મળે તેવો ખોરાક ના ખાશો. દલિયા (જાડો ઘઉંનો લોટ), આખું અનાજ, ચાળ્યા વગરનો લોટ, લીલા શાકભાજી, અને ફળો જો વધારે પ્રમાણમાં પેટમાં જશે તો પેટમાં ભરાવો થશે, ગેસ થશે અને ઓડકાર આવશે. આનાથી પણ પેટમાં દુખાવો પણ થાય અને ઝાડા પણ થઈ જાય.
• ક્રૂસિફેરસ પ્રકારની ભાજી
કોબીજ, બ્રોકોલી, મૂળા, ગાજર વગેરે ક્રૂસિફેરસ પ્રકારના શાકભાજી ગણાય છે. તેને કાચેકાચા જ વધારે પ્રમાણમાં ખાશો તો ગેસ થશે. ઓડકાર આવશે માટે તેમને બાફીને કે રાંધીને પ્રમાણસર ખાશો.
• બધા જ પ્રકારના કઠોળ
બધા જ પ્રકારની શીંગો, તુવેર, ચણા, વટાણા, વાલ, સોયાબીન, મગફળી વગેરેમાં અમુક પ્રકારના તત્ત્વોનું પાચન જલ્દી થતું નથી. આથી તેને પ્રમાણસર લેવા જોઈએ, નહીં તો ગેસ થશે અને પેટમાં ચૂંક આવશે.
• દૂધ અને દૂધની બનાવટો
જે લોકોને જન્મથી જ લેકટોસ નામનો એન્ઝાઇમ હોજરીમાં ના હોય તેવાને દૂધ કે દૂધની બનાવટો લેવાથી પેટમાં ગરબડ થાય. જેમ કે, ગેસ થઇ જાય, ઝાડા થઇ જાયકે પછી પેટમાં ચૂંક આવે. આવી સ્થિતિ ટાળવા માટે બજારમાં ‘લેક્ટોઝ’ની ગોળીઓ ઉપલ્બધ છે તેનો ઉપયોગ કરો. આ ઉપરાંત પ્રોબાયોટિક દહીં અને લસ્સી પણ બજારમાં મળતા હોય છે તેનો ઉપયોગ કરો.
• વિટામીન સી ધરાવતા શાક-ફળ પ્રમાણસર લો
વધારે પ્રમાણમાં વિટામીન-સી લેવાથી શરીરનું માધ્યમ ‘એસિડિક’ થશે અને તેનાથી કોઈક વાર પેટમાં ચૂંક આવશે અને ગેસ થશે. આથી મોસંબી, નારંગી, આમળા, લીંબુ વગેરે પ્રમાણસર લો.
• ફ્રૂકટોઝ નાખેલા ખોરાક
બજારમાં તૈયાર પેકેટમાં મળતાં કે ફ્રૂકટોઝ નાંખીને તૈયાર કર્યા હોય તેવા બધા જ ખોરાક જેવા કે ક્લબ સોડા, કેન્ડી, ફ્રૂટના રસ, સિરિયલ્સ, કોર્ન ફ્લેક્ષ વગેરે વધારે પ્રમાણમાં ના લેશો કારણ કે ફ્રૂકટોઝને કારણે પેટની તકલીફ થઈ શકે છે અને ડાયાબિટીસ થવાનો ભય રહે છે.
• સ્પાઈસી (તીખો) ખોરાક
બહુ તીખો, મરચાં અને ગરમ મસાલાવાળો ખોરાક ખાવો બંધ કરો. આવા ખોરાકમાં મરચા અને મરીમાં કેપ્સિચીન નામનું તત્ત્વ છે. જેનાથી છાતીમાં બળતરા અને અપચો થવાનો પૂરોપૂરો સંભવ છે.
• ખાંડ
તમારા શરીરમાં ખાંડનું પ્રમાણ વધારેમાં વધારે પા કે અડધી ચમચી (૨૦થી ૨૫ ગ્રામ) જવું જોઈએ. જો તેનાથી વધારે પ્રમાણ શરીરમાં જશે તો ડાયાબિટીસ થવાનો ખતરો ઝળૂંબતો રહેશે
• મીઠું
આખા દિવસમાં પા કે અર્ધી ચમચી (બેથી ત્રણ ગ્રામ) જ લેવું જોઈએ પણ સામાન્ય રીતે આપણે સલાડમાં, લસ્સીમાં અને રોજના ખોરાકમાં ઘણી વાર બે ચમચીથી વધારે તે લઇએ છીએ. વધારે પડતા મીઠાથી બ્લડ પ્રેશર વધે છે અને હાર્ટ એટેક પણ થઈ શકે છે.