કોઈ લાંબી બીમારી પછી એમ લાગવું કે હવે સારી રીતે વિચારી શકાતું નથી. પોતાના જીવનમાં ચાલતા કોઈ તણાવની વચ્ચે એમ લાગવું કે કોઈ પણ કામમાં મન લાગતું નથી કે કોઈ પરિસ્થિતિ અંગે અગાઉની જેમ ઝડપભેર નિર્ણય લેવામાં મુશ્કેલી પડે. આ કે આવા લક્ષણ બ્રેન ફોગિંગના હોઈ શકે છે. કોઈ લાંબી બીમારી પછી કે તણાવને કારણે આમ થઈ શકે છે. અનેક રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું છે કે, કોવિડ પછીના લક્ષણોમાં બ્રેન ફોગિંગનું પ્રમાણ વધ્યું છે. ગર્ભવતી મહિલાઓમાં કે મેનોપોઝમાંથી પસાર થઈ રહેલી મહિલાઓમાં પણ આ મુશ્કેલી જોવા મળે છે. ઓછી ઊંઘ લેવાથી પણ બ્રેન ફોગની સમસ્યા થઇ શકે છે કે વધી શકે છે. તો ચાલો, આજે જાણીએ બ્રેન ફોગમાંથી બહાર આવવાની રીતો વિશે...
• રંગીન શાકભાજીનું વધુ સેવન: બ્લ્યૂ બેરી, વિવિધ રંગોના શાકભાજી, ગ્રીન ટી અને ચોકલેટ કે કોફીમાં પોલિફેનોલ્સ હોય છે. પોલિફેનોલ્સ એક પ્રકારનું એન્ટી-ઓક્સિડન્ટ છે. બ્રેન ફોગની સમસ્યામાં પોલીફેનોલ્સ એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે.
• વિટામિન-ડીનું સ્તર વધારો: આપણા શરીરમાં વિટામિન-ડીની ઉણપથી વિચારવાની ક્ષમતા ઘટવા સાથે સંકળાયેલી છે. વિટામિન-ડીો અભાવ મૂડ ખરાબ થવા માટે પણ જવાબદાર ગણાય છે. આ ઉણપ દૂર કરવા માટે વિટામિન ડી3 સપ્લીમેન્ટ્સની મદદ લઈ શકાય છે.
• નિયમિત કસરત કરો: આપણા દરેક શારીરિક ક્રિયા-કલાપોનો મગજ સાથે સીધો સંબંધ હોય છે. આખરે તો આપણું શરીર મગજમાંથી છૂટતા આદેશોના આધારે તો કામ કરે છે. આથી મગજને ચેતનવંતુ રાખવા માટે નિયમિત રીતે ચાલવું શરીરની સાથે-સાથે મગજ માટે પણ એટલું જ ફાયદાકારક છે. ડિપ્રેશન, એંગ્ઝાયટી અને મગજમાંથી તણાવ દૂર રાખવામાં તે મદદ કરે છે.
• ભરપૂર પાણી પીઓ: ભરપૂર પાણી પીવું એ પણ મગજને યોગ્ય રાખવા માટે સૌથી જરૂરી છે. શરીરમાં પાણીની ઉણપ મગજની ક્રિયાને બહુ પ્રભાવિત કરે છે. આથી તમારી પાસે હંમેશા પાણીની એક બોટલ હોવી જ જોઈએ.
• ઓમેગા-3 અપનાવો: ઓમેગા-થ્રી ફેટી એસિડ મગજની કામ કરવાની ક્ષમતા વધારે છે. પારંપરિક રીતે તે અળસીમાં જોવા મળે છે. મુખવાસ કે સલાડ ડ્રેસિંગમાં અળસીનો ઉપયોગ કરો. અલબત્ત, અળસીમાં ફાઇબરનું પ્રમાણ વિશેષ હોવાથી તેનું વધુ પડતું સેવન ટાળવું જોઇએ.