તમારા શરીરનું વજન ઝડપથી વધવું અથવા ઝડપથી ઘટવા ઉપરાંત, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ઝાંખું દેખાવું, નામ અથવા વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલીઓ વગેરે દર્શાવે છે કે તમને થાઇરોઈડની સમસ્યા હોઈ શકે છે. અમેરિકન થાઇરોઈડ એસોસિએશન અનુસાર, લગભગ ૬૦ ટકા પીડિતો તેના લક્ષણો વિશે જાણતા નથી. છેલ્લા દાયકામાં પુરુષોમાં પણ થાઈરોઇડની સમસ્યા ઝડપથી વધી છે.
થાઇરોઈડ એ બટરફ્લાય આકારની ગ્રંથિ છે જે ગરદનની અંદર અને કોલરબોનની ઉપર સ્થિત છે. તે ટ્રાઈઆયોડોથાયરોનિન (T3) અને થાઈરોક્સિન (T4) નામના બે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આ હોર્મોન્સ મેટાબોલિઝ્મ માટે જવાબદાર છે. આ હોર્મોન્સનું ઉત્પાદન અને સ્ત્રાવ થાઇરોઈડ-સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (TSH) દ્વારા કરાય છે. ટીએસએચ પિટ્યૂટરી ગ્રંથિમાં બને છે. તેના સ્ત્રાવને થાઇરોઈડ રિલીઝ કરનારા હોર્મોન અથવા TRH દ્વારા નિયંત્રિત કરાય છે. આવી સ્થિતિમાં, જ્યારે થાઇરોઈડ સામાન્ય પ્રમાણમાં ઘટે છે અથવા વધે છે, ત્યારે મેટાબોલિઝ્મ પ્રભાવિત થાય છે. થાઇરોઈડનું વધુ પ્રમાણમાં ઉત્પાદન T3 અને T4ના સ્તરમાં વધારો કરે છે અને TCHના સ્તરમાં ઘટાડો કરે છે. તેને હાઇપરથાઇરોઈડિઝમ કહેવામાં આવે છે. તેમજ જ્યારે થાઇરોઈડ હોર્મોન ઘટવા લાગે છે, ત્યારે T3 અને T4નું સ્તર ઘટવા લાગે છે અને TCHનું સ્તર વધવા લાગે છે.
આ લક્ષણોની ઉપેક્ષા ના કરો
• મૂડ સ્વિંગ: હાઇપોથાઇરોડિઝમ એંગ્ઝાઇટી અને ડિપ્રેશન વધારે છે. ડિપ્રેશન થાઇરોઈડનું પહેલું લક્ષણ છે. એવામાં એંગ્ઝાઇટીને કારણે વ્યક્તિનો મૂડ સતત બદલાતો રહી શકે છે.
• ઝાંખું દેખાવું: ઘણી વખત થાઇરોઈડને કારણે, આંખોની નજીકના ટિશ્યુ પાસે વધારાનું પ્રવાહી એકત્ર થઈ જાય છે. તેનાથી થાય છે એવું કે આંખોને નિયંત્રિત કરતા સ્નાયુઓ મોટા થઈ જાય છે. પરિણામે વ્યક્તિને ઝાંખું દેખાવાની અથવા ડબલ વિઝનની સમસ્યા થવા લાગે છે.
• એકાગ્રતામાં મુશ્કેલીઃ વ્યક્તિને કોઇ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે.
• સ્વાદમાં ફેરફારઃ જ્યારે થાઈરોઈડ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરતી હોય ત્યારે મોઢામાં કે મગજમાં અથવા બંને જગ્યાએ સ્વાદ ગ્રંથિઓ પ્રભાવિત થાય છે.
જો આવા કોઇ પણ લક્ષણ દેખાતા હોય તો તરત જ તમારે જીપીને મળીને વિશેષ તબીબી તપાસ કરાવવી જોઇએ, જેથી થાઇરોડની શરૂઆત થઇ રહી હોય તો તરત જ સારવાર થઇ શકે.