હેલ્થ ટિપ્સઃ થોડા વર્ષોમાં જ 100 કરોડ જેટલા યુવાનો બહેરા થઈ જશે!

Saturday 24th August 2024 04:08 EDT
 
 

તમે મેટ્રો ટ્રેન, પાર્ક કે જાહેર સ્થળોએ લોકોને કાનમાં ઈયરફોન લગાવીને આસપાસના વાતાવરણથી સંપૂર્ણપણે બેખબર થઈને પોતાની દુનિયામાં મસ્ત થઈને રહેતા જોયા હશે. ઘણી વાર તેમની આસપાસ શું થાય છે તેનો પણ અવાજ તેમને સંભળાતો નથી. જે તેમના ઇયરફોન, ઇયરબડ્સ અથવા અન્ય લિસનિંગ ડિવાઈસને કારણે થાય છે. પરંતુ વિચારો કે આવનારા સમયમાં જો લોકો ખરેખર બહેરા થઈ જાય તો? લોકો એક સાથે બેઠા તો હોય, પરંતુ એકબીજાની વાત સાંભળી જ ન શકે તો? પરંતુ આવું શક્ય બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના રિપોર્ટમાં જણાવાયું છે કે આવનારા સમયમાં દુનિયામાં 100 કરોડથી વધારે લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળ કોઈ મહામારી નહીં પણ લોકોનો ઇયરફોન લગાવવાનો શોખ જવાબદાર રહેશે. ‘હૂ’ના ‘મેઇક લિસનિંગ સેફ ગાઇડલાઇન્સ’માં એક અનુમાનમાં જણાવાયું છે કે 2050 સુધીમાં દુનિયાભરમાં 100 કરોડ કરતાં વધારે યુવાનો બહેરા થઈ શકે છે. આ યુવાઓની વય 12થી 35 વર્ષની વચ્ચે રહેશે.
• ડિવાઇસનું વોલ્યુમ કેટલું હોય છે? સામાન્ય રીતે પર્સનલ ડિવાઇસોમાં વોલ્યુમનું સ્તર 75 ડેસિબલથી 136 ડેસિબલ હોય છે. અલગ-અલગ દેશમાં તેનું મેક્સિમમ સ્તર અલગ પણ હોઈ શકે છે. જોકે યુઝર્સે પોતાના ડિવાઇસનું વોલ્યુમ 75થી 105 ડેસિબલની વચ્ચે રાખવું જોઈએ અને તેને પણ મર્યાદિત સમય માટે જ ઉપયોગમાં લેવું જોઈએ. તેનાથી વધુ અવાજે સાંભળવાથી કાનની શ્રવણશક્તિને ખતરો થઈ શકે છે.
• કેટલું વોલ્યુમ સેફ? નિષ્ણાતોના મતે ડિવાઇસોમાં વોલ્યુમ ખૂબ વધારે હોય છે. કાન માટે સૌથી સુરક્ષિત અવાજ 20થી 30 ડેસિબલ છે. તેના કરતા વધારે અવાજના સતત સંપર્કમાં રહેવાથી કાનના સેન્સર સેલ્સને નુકસાન થવા લાગે છે. ડિવાઇસના ઉપયોગથી આવેલી બહેરાશ ક્યારેય ઠીક થતી નથી.
આ શોખ ભારે પડી રહ્યાો છે
ગાઇડલાઇન્સમાં જણાવાયું છે કે હાલ 12થી 35ની વયના લગભગ 50 કરોડ લોકો વિવિધ કારણોસર સાંભળી નહીં શકવાની અથવા બહેરાશની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. તેમાંથી 25 ટકા એ લોકો છે જેઓ પોતાના અંગત ડિવાઇસ જેવા કે ઇયરફોન, ઇયરબડ્સ, હેડફોન પર વધારે તેજ અવાજમાં સતત કંઈને કંઈ સાંભળવા ટેવાયા છે. જ્યારે 50 ટકાની આસપાસ મનોરંજન માટે વાગતા લાઉડ મ્યુઝિકના સંપર્કમાં રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter