કોલેસ્ટ્રોલનું નામ સાંભળતા જ સૌથી પહેલા મગજમાં એ વાત આવે છે કે એ તો આરોગ્ય માટે ખરાબ હોય છે. જોકે, આ માન્યતા સાચી નથી. કેટલાક કોલેસ્ટ્રોલ આરોગ્ય માટે સારાં પણ હોય છે, જેના માટે જરૂરી એ છે કે કોલેસ્ટ્રોલ અંગેની કેટલીક માન્યતાઓથી તમે દૂર રહો. તો ચાલો કોલેસ્ટ્રોલ અંગેની આવી જ કેટલીક માન્યતાઓ અને ફેક્ટ અંગે જાણીએ.
• માન્યતા: બધા કેલેસ્ટ્રોલ ખરાબ હોય છે
હકીકત: શરીરમાં હોર્મોન અને કોષ બનાવવા માટે ગુડ કોલેસ્ટ્રોલની જરૂર હોય છે. લિપોપ્રોટીન નામના પ્રોટીન પર કોલેસ્ટ્રોલ શરીરમાં લોહીના માધ્યમથી રહે છે. બે પ્રકારના લિપોપ્રોટીન સમગ્ર શરીરમાં કોલેસ્ટ્રોલને લઈ જાય છે. પ્રથમ લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ હોય છે. હાઈ ડેન્સિટી કોલેસ્ટ્રોલ (HDL) સારું કોલેસ્ટ્રોલ હોય છે. આ કોલેસ્ટ્રોલને પાછું લિવરમાં લઈ જાય છે. પછી લિવર તેને શરીરમાંથી બહાર ફેંકે છે, જે હૃદયની બીમારી અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.
• માન્યતા: કોલેસ્ટ્રોલ વધવાથી તેને અનુભવી શકાય છે
હકીકતઃ જો કોલેસ્ટ્રોલ હાઈ છે તો હંમેશા તેના કોઈ લક્ષણ દેખાતા નથી. મોટા ભાગના કિસ્સામાં એવું બને છે કે જ્યાં સુધી ખબર પડે કે ખરાબ કોલેસ્ટ્રોલ વધુ છે ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હોય છે. ખબર પડવાના સમયે સીધો હાર્ટ એટેક કે સ્ટ્રોક આવી શકે છે. આ સ્થિત ટાળવા માટે દર 5 વર્ષે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જરૂરી છે. ક્યારેક હાઈ કોલેસ્ટ્રોલથી ત્વચા પર ડિપોઝિટ આવે છે, જેને ઝેન્થોમા કહે છે. આવા લોકોમાં કોલેસ્ટ્રોલ હાઈ હોવાની પૂરી સંભાવના હોય છે.
• માન્યતા: કોલેસ્ટ્રોલયુક્ત ભોજન ખાવાથી આ વધતું નથી
હકીકતઃ કોલેસ્ટ્રોલ યુક્ત ભોજનમાં હંમેશા સેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલને વધારી શકે છે. આથી હંમેશા એવો ખાદ્ય પદાર્થ જ ખાવો જોઈએ જેમાં સેચ્યુરેટેડ ફેટ ઓછું હોય. બટર અને ચીઝમાં સેચ્યુરેટેડ ફેટ વધુ પ્રમાણમાં હોય છે. તેના સ્થાને ફાઈબરથી ભરપૂર ભોજન જેમ કે ઓટમીલ, બીન્સ, ઓલીવ ઓઈલ અને મગફળી ખાવી જોઈએ, જેમાં સેચ્યુરેટેડ ફેટ હોતું નથી.
• માન્યતા: કોલેસ્ટ્રોલ લેવલને બદલવા માટે કંઈ થઈ શકતું નથી
ફેક્ટ: કોલેસ્ટ્રોલ લેવલને સુધારવાનું ઘણા અંશે તમારા હાથમાં હોય છે. સેચ્યુરેટેડ ફૂડનો ઓછો ઉપયોગ, કુદરતી ફાઈબરથી ભરપૂર ભોજન, સપ્તાહમાં 150થી 300 મિનિટની કસરત, સ્મોકિંગ અને તમાકુ ઉત્પાદને તિલાંજલી અને આરોગ્ય અંગે ફેમિલી હિસ્ટ્રીને ધ્યાનમાં રાખો.