ચોમાસામાં ભરપૂર ખવાતી દેશી - વિદેશી મકાઈ ખૂબ પૌષ્ટિક છે. તેમાં ફોસ્ફરસ, મેગેંનિઝ, કોપર, ઝિંક, આયર્ન અને સિલેનિયમ સારા પ્રમાણમાં છે. તેમાં થોડા પ્રમાણમાં પોટેશિયમ પણ છે. તદુપરાંત, વિટામિન - બી પણ સારા એવા પ્રમાણમાં હોય છે. પીળી (અમેરિકન) મકાઈમાં વિટામિન - એ ભરપૂર છે. તેમાં લ્યુટીન પણ છે, જે આંખો અને હૃદય માટે લાભકારક છે. મકાઈનો ઉપયોગ ભોજનમાં શાક તરીકે કરી શકાય, પણ એનો સૌથી વધુ ઉપયોગ કાં તો બપોરે નાસ્તામાં વધારે થાય છે, જેને આપણે પોપકોર્ન તરીકે પણ ઓળખીએ છીએ. જોકે એ ન ભૂલવું જોઇએ કે, આ પોપકોર્ન બનાવવામાં હંમેશા વધારે પડતા ચીઝ અને બટર વપરાય છે, જે ટાળવું જોઇએ.
મકાઇનું જ એક ટચુકડું સ્વરૂપ એટલે બેબી કોર્ન. બજારમાં મકાઈના મોટા ડોડા જેવા જ પણ સાઇઝમાં નાના અને કુમળા ડોડા પણ મળે છે. આ મકાઈ બેબી કોર્ન તરીકે ઓળખાય છે. તેને મોટી મકાઈની જેમ છોલીને બાફવાની જરૂર નથી. બેબી કોર્નને છોલીને સીધી જ ઉપયોગમાં લઈ શકાય છે. તેને શાકમાં કે સલાડમાં વાપરી શકાય છે. બેબી કોર્નમાં ફેટ અને સોડિયમ ઓછા પ્રમાણમાં હોય છે. તે કોલેસ્ટેરોલ ફ્રી અને સાથે જ વિટામિન - સીથી ભરપૂર છે અને જો પ્રોટીન સાથે વપરાય તો શરીરને જરૂરી એવા એમિનો એસિડ બનાવી આપે છે.
મકાઈના ફાયદા
• મકાઈમાં રહેલું ફોલેટ શરીરમાં નવા કોષો સહેલાઈથી બનાવે છે. સગર્ભાવસ્થા દરમિયાન બેબી કોર્ન ખાવી ફાયદાકારક છે.
• મકાઈમાંનું થિયામિન શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સને નિયંત્રિત કરે છે.
• મકાઇમાં રહેલું પેન્ટોથેનિક એસિડ શરીરને કાર્યરત રાખવામાં બહુ મદદરૂપ થાય છે.
• મકાઈના ફાઇબર્સ કોલેસ્ટેરોલ ઓછું કરે છે અને કેન્સર થવાની શક્યતા ઘટાડે છે
• મકાઈમાં બીટા-કીપ્ટોઝેન્થીન ફેફસાં માટે મદદરૂપ છે અને ફેફસાંના કેન્સરને રોકવામાં મદદ કરે છે.
• મકાઈમાંના ઇનસોલ્યુબલ ફાઇબર્સ આંતરડા માટે સારા છે.
• મકાઈ કિડનીના રોગોથી પીડાતા લોકો માટે સારી છે. હા, ડાયાબિટીસના દર્દીઓએ મકાઇ ઓછી માત્રામાં ખાવી.