નાળિયેર જમીનથી ૧૦થી ૧૫ ફીટ ઉપર ઝાડની ડાળી પર ઊગે છે અને એનો દરેક ભાગ આપણને ઉપયોગી થાય છે. પાણી, નાળિયેર કે બાદમાં એના છોતરાં - બધું જ ઉપયોગી છે. આથી જ હિન્દુ ધર્મ પરંપરામાં તેનું વિશેષ સ્થાન જોવા મળે છે. સૂકા નાળિયેરને અપાયેલું શ્રીફળ નામ જ તેનું આગવું મહત્ત્વ સૂચવે છે. આજે આપણે નાળિયેર વિશે થોડી વધુ માહિતી મેળવીએ.
• નાળિયેરનું પાણીઃ નાળિયેરના પાણીના મહત્તા અલગ જ છે. લીલા નાળિયેરમાંનું પાણી ખૂબ જ ઉપયોગી છે. એટલું જ નહીં, સુકા નાળિયેરમાંનું પાણી પણ એટલું જ સારુ છે. તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ વિપુલ પ્રમાણમાં હોય છે. તેથી પહેલાના જમાનામાં યુદ્ધ સમયે એનો ઉપયોગ સૈનિકોને અપાતા સલાઈન તરીકે થતો હતો અને હવે તો વિદેશોમાં નાળિયેર પાણીનો ઉપયોગ બીજા ઠંડા પીણાની જેમ કેનમાં ભરીને પીવામાં થાય છે. નાળિયેર પાણીમાં સોડિયમની માત્રા ઘણી ઓછી છે અને પોટેશિયમ વધારે પ્રમાણમાં છે. જે મોટા ભાગના એનર્જી ડ્રિન્ક કરતાં વધુ છે. તદુપરાંત, નાળિયેરમાં નેચરલ શુગર છે. તો નાળિયેર પાણીમાં ક્લોરાઈડ પણ વધારે હોય છે, જે કિડનીના રોગો સામે રક્ષણ આપે છે.
• નાળિયેરનું દૂધઃ નાળિયેરના દૂધમાંથી લેક્ટિક એસિડ મળે છે, જે ઘણું ફાયદાકારક છે. નાળિયેરના માવામાં પાણી નાંખીને તેને ક્રશ કરીને તેમાંથી નાળિયેરનું દૂધ બનાવાય છે. જે ઘટ્ટ ક્રીમ જેવું કે પાતળું દૂધ જેવું પણ બની શકે છે. તે વિવિધ ડેઝર્ટ્સ અને સોસ બનાવવામાં ઉપયોગી છે. જ્યારે પાતળું દૂધ વિવિધ પ્રકારના સૂપ અને શાક બનાવવામાં ઉપયોગી છે. નાળિયેરનું દૂધ ઘણું સ્વાદિષ્ટ લાગતું હોય છે. સાથેસાથે તે કેલરી અને ફેટનું પ્રમાણ ઘણું વધારે ધરાવે છે. આ દૂધમાં પણ પોટેશિયમ, વિટામિન અને મિનરલ્સ વધારે પ્રમાણમાં હોય છે. તેમાં વધુ પ્રમાણમાં ફેટની માત્રાને લીધે વધુ વજન ધરાવતાં વ્યક્તિઓ માટે તે ખાવું યોગ્ય નથી. નાળિયેરના દૂધમાંથી જોકે કેલ્શિયમ મળતું નથી. તેથી સામાન્ય દૂધને બદલે તેનો ઉપયોગ યોગ્ય નથી.
• નાળિયેરનો માવોઃ નાળિયેરમાં ફાઈબર્સ ઘણા હોય છે. તેથી કબજિયાતની તકલીફ ધરાવતા વ્યક્તિઓ માટે તેનું સેવન ઘણું સારું છે અને ઓછું વજન ધરાવતાં વ્યક્તિઓને વજન વધારવા માટે ફાયદાકારક છે. નાળિયેરનો માવો પ્રોટીનથી ભરપૂર છે. તદુપરાંત તે ફ્લુ, ઓરી-અછબડાં, વાઇરલ ફિવર કે હર્પિસને અટકાવવામાં પણ ઉપયોગી છે. તે ગળાનો ચેપ, દાંતનો દુખાવો કે અલ્સર માટે જવાબદાર બેકેટોરિયાનો નાશ કરે છે. બાળકોના પેટમાં થતાં કરમિયાંનો પણ નાશ કરે છે. એટલું જ નહીં, શરીરમાં ઇન્સ્યુલિન બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસથી થતા નુકસાનથી બચાવે છે. તે અલ્સરેટીવ કોલાઇટિસમાં ઉપયોગી છે. તેની મલાઈ ચહેરાની ત્વચાની ચમક ને વાળને માટે પણ ઉપયોગીછે. નાળિયેરમાં તેલ અથવા ફેટનો ભાગ વધુ પડતો હોવાથી તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ. વધારે પ્રમાણમાં નાળિયેર ખાવાથી વજન વધવાની તકલીફ થઈ શકે છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ પણ વધારે પડતી હોવાથી તેનું સેવન વધારે માત્રામાં કરવાથી કોલેસ્ટેરોલની તકલીફ થઈ
શકે છે.
• નાળિયેર તેલઃ તેલ કોઇ પણ પ્રકારનું હોય, દરેકમાં કેલરી મોટા ભાગે સરખી જ હોય છે. કોપરેલ પણ આમાંથી બાકાત નથી. હા, કોપરેલ જો ઓછી ગુણવત્તાવાળા નાળિયેરમાંથી બનાવેલ હોય તો તે શરીરને નુકસાન કરી શકે છે. જ્યારે સારી ગુણવત્તાવાળું કોપરેલ શરીર માટે ફાયદાકારક નીવડી શકે છે. તેનો પ્રમાણસર ઉપયોગ શરીરને સુદૃઢ બનાવે છે.