શારીરિક અને માનસિક આરોગ્ય સારું રાખવું હોય તો જીવનમાં નિયમિતપણે ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. તે દવાની માફક કામ કરે છે. વાસ્તવમાં, યુવા પેઢીમાં કમ્પ્યુટર સામે કલાકો સુધી બેસી રહીને કામ કરવાથી શરીરની હિલચાલ ઘટે છે. તો નિવૃત્ત વડીલો ક્યારેક નાનીમોટી બીમારીના કારણે અથવા તો એવી માનસિકતા સાથે ઘરમાં બેસી રહે છે કે જીવનમાં બહુ દોડધામ કરી લીધી છે, હવે તો આરામ જ કરવાનો હોય. તમે યુવાન હો કે વડીલ - આ અભિગમ શરીર માટે બહુ જ નુકસાનકારક છે. લાંબા સમય સુધી આ સ્થિતિ રહેવાથી હૃદયરોગ, કેન્સર જેવા રોગો અને મોતનું જોખમ વધી જાય છે. આ સ્થિતિ ટાળવા માટે સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટ સુધી કસરત કરવી જરૂરી છે. અને દરરોજ અંદાજે 20 મિનિટ સુધી ચાલવું જોઇએ. તેનાથી સર્જનાત્મકતા તેમજ યાદશક્તિ વધે છે. એક્લતા દૂર થાય છે. તણાવ ઘટે છે. ખુલ્લી હવામાં અંદાજે 30 મિનિટ ચાલવાથી નકારાત્મક વિચારો પણ આવતા નથી.
ધ બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત 196 સંશોધનોનાં પરિણામના અભ્યાસ બાદ આ તારણ રજૂ થયું છે. અભ્યાસના તારણો દર્શાવે છે કે નિયમિત ચાલવાથી પીઠના નીચલા હિસ્સામાં દુખાવાથી રાહત મળે છે. શરીરનાં અનેક અંગોમાં દુખાવો થાય છે કે કે શરીર જકડાઈ જાય છે ત્યારે પણ ચાલવાથી દુખાવામાં રાહત મળે છે. થેરપી દરમિયાન પણ તેનાથી મદદ મળે છે.
સંશોધન અનુસાર રાતના સમયે ચાલવાથી પણ સારી ઊંઘ આવે છે. એક સંશોધનમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને સામેલ કરાયા હતા. આ લોકો ઓસ્ટિયો-આર્થરાઇટિસથી પીડિત હતા. આમ છતાં તેઓ નિયમિતપણે ચાલતા હતા. ડો. ગ્રેસ હસાઓ - વેઇ લોનું કહેવું છે કે નિરંતર ચાલવાથી શરીરના સાંધાના દુખાવામાં પણ ઘટાડો થાય છે. સામાન્યપણે તેની સારવાર કરવા માટે ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક દવાઓ માટે તે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
ચાલવું એ તન-મનના સ્વાસ્થ્યની સાથે સાથે સામાજિક સંબંધો માટે પણ સારું છે. તેનાથી નવા મિત્રો બનાવવામાં મદદ મળે છે. નવા વિચાર પણ આવે છે. વ્યક્તિની સામાજિક થવાની સંભાવના પણ પહેલાંની તુલનાએ વધી જાય છે.