સ્વસ્થ શરીર માટે આપણને ખનીજ, વિટામિનની સાથેસાથે કેટલાંય પોષકતત્ત્વની પણ જરૂરિયાત હોય છે. જો શરીરમાં ખનીજ, વિટામિન કે પોષકતત્ત્વોની કમી સર્જાય તો શરીરને એક યા બીજી બીમારી વળગે છે અને આમ શરીર નબળું પડે છે. વિટામિન-સી શરીર માટે કેમ જરૂરી છે તે વિશે વાત કરીએ તો વિટામિન-સીની ઉણપ શરીરમાં વર્તાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. અને એક વાર રોગપ્રતિકારક શક્તિ ઘટે એટલે શરીરમાં અનેક રોગ પ્રવેશે છે. આથી તેની ઉણપ શરીરમાં ન વર્તાવી જોઇએ. તો ચાલો જાણી લઇએ વિટામિન-સીના મહત્ત્વના સ્રોત ક્યા છે...
• દ્રાક્ષ
દ્રાક્ષમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. તેની સાથેસાથે પોલિફિનોલ્સ ગ્લુકોઝ અને મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ ઇન્ફેક્શન, યુરિન ઇન્ફેક્શન અને ટીબી જેવી બીમારીઓને શરીરમાં આવતાં અટકાવે છે. સાથે સાથે દ્રાક્ષના સેવનથી કોલેસ્ટરોલ લેવલ પણ સમતલ રહે છે.
• લીંબુ
આમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન-સી, આયર્ન, ફોસ્ફરસ અને ઝિંકની માત્રા સારા પ્રમાણમાં મળી રહે છે, જે હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. ગરમીની સિઝનમાં લીંબુ પાણી પીવાથી ડિહાઇડ્રેશન નથી થતું. ગરમીના દિવસોમાં શરીરમાં પાણી ઘટી જવાની સમસ્યા ખૂબ જોવા મળતી હોય છે. આ સમયે લીંબુનું સેવન લાભદાયી બની રહે છે, જે શરીરને એનર્જી પૂરી પાડે છે. એટલું જ નહીં, કિડની સ્ટોનની તકલીફમાં પણ લીંબુ ગુણકારી કહેવાય છે.
• મોસંબી
મોસંબીમાં વિટામિન-સી પ્રચુર માત્રામાં જોવા મળે છે. ટાઇફોઇડ, ડેન્ગ્યૂમાં કે લિવર ઉપર સોજો હોય તો આવી દરેક બીમારીમાં મોસંબીનો રસ અકસીર માનવામાં આવે છે. સાથેસાથે તે શરીરને એનર્જી પૂરી પાડવાનું કાર્ય કરે છે અને વિટામિન-સીની ઉણપથી થતી ત્વચાની તકલીફથી બચાવવાનું કામ પણ કરે છે. શરીરને સ્વસ્થ રાખવું હોય તો મોસંબીનો રસ રોજ પીવો જોઇએ. સગર્ભા બહેનો પણ મોસંબીનો રસ ઉત્તમ ગણવામાં આવે છે.
• ટામેટાં
ટામેટાંમાં ફોસ્ફરસ, વિટામિન-સી અને કેલ્શિયમની સારી માત્રામાં મળી રહે છે. તેમ જ ટામેટાંમાં પાણીની માત્રા પણ ઘણી હોય છે, જે શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે. ફોસ્ફરસ, વિટામિન-સી અને કેલ્શિયમ પાચન સંબંધિત તમામ પ્રકારના વિકારો દૂર કરે છે, તેથી અપચાની સમસ્યા અને એસિડિટી જેવી સમસ્યાથી છુટકારો મળે છે. નાનાં બાળકો માટે પણ ટામેટાં ઉત્તમ માનવામાં આવે છે. તેનું દરરોજ સેવન નાના અને મોટા બંને માટે ગુણકારી છે. જોકે શક્ય હોય ત્યાં સુધી તેને શાકમાં નાખીને કે પકાવીને ખાવા કરતાં કાચાં જ ખાવાં.
• બ્રોકોલી
બ્રોકોલીની અંદર કેરેટેનાઇડ્સ લ્યૂટિન, પોટેશિયમ, વિટામિન-સી અને ફાઇટો કેમિકલ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ તત્ત્વો શરીરમાં રહેલા ટોક્સિક પદાર્થને બહાર કાઢવાનું કાર્ય કરે છે. મતલબ કે તેના સેવનથી શરીરનો કચરો દૂર થાય છે અને શરીર સ્વસ્થ બને છે.