મોટા ભાગના લોકોને નિવૃત્તિ પછીના સમયમાં શું કરીશું તેની ભારે ચિંતા સતાવતી હોય છે. નિવૃત્તિ પછી લોકો સાથે રોજિંદો સંપર્ક ઘટી જાય છે અને એકલા પડવાથી માનસિક અકળામણ ઉભી થતી હોય છે. આ સ્થિતિ આગળ જતાં વિસ્મૃતિ અથવા ડિમેન્શીઆમાં ફેરવાઈ જવાનો ભય રહે છે. જોકે, ડિમેન્શીઆ થવાનું જોખમ ઘટાડવા ઈચ્છતા મધ્ય વયના લોકોએ સામાજિક સંપર્કોથી જોડાયેલા હાઉસિંગમાં રહેઠાણ અને નિવૃત્તિ પછી સ્વૈચ્છિક સેવા એટલે કે વોલન્ટીઅરીંગની ભૂમિકામાં પરોવાઈ જવાનું કાર્ય કરવું જોઈએ તેમ નિષ્ણાતો કહે છે. વોલન્ટીઅરીંગથી ડિમેન્શીઆનું જોખમ 50 ટકા સુધી ઘટી જાય છે તેમ યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)નો તાજેતરનો અભ્યાસ પણ કહે છે.
‘નેચર એજિંગ’માં પ્રસિદ્ધ સંશોધનના અગ્ર આલેખક ડો. એન્ડ્રયુ સોમેરલેડના કહેવા મુજબ વિશ્વની વધુ વસ્તી વૃદ્ધાવસ્થા તરફ જઈ રહી છે ત્યારે ડિમેન્શીઆ ધરાવતા લોકોની સંખ્યા પણ વધી છે. વિશ્વમાં 50 મિલિયન લોકો આ સ્થિતિથી પીડાય છે અને 2050 સુધીમાં સંખ્યા ત્રણ ગણી થવાની ધારણા છે. ભારત અને યુકેમાં પણ મંદિરો સામાજિક સંપર્કો વધારવામાં મદદરૂપ બની રહે છે. સ્વામિનારાયણ સંસ્થાન કે સનાતન મંદિરોના કાર્યક્રમો કે ઉજવણીઓમાં નાના-મોટા કાર્યોમાં નિવૃત્ત વયસ્ક લોકો સ્વૈચ્છિક સેવા આપે છે. તેઓ લોકોને મદદ પૂરી પાડવાની સાથોસાથ પોતાને પણ સ્વસ્થ રહેવાનું કારણ આપે છે. હવે તો યુવા વર્ગ પણ વોલન્ટીઅરીંગમાં જોડાય છે.
UCLના સંશોધન અનુસાર લોકો મધ્ય કે તેથી વધુ વય ધરાવતા હોય ત્યારથી જ સામાજિક સંપર્કો ધરાવતા હોય તેમને પાછળથી ડિમેન્શીઆ થવાનું જોખમ 30થી 50 ટકા ઘટતું હોવાની શક્યતા છે. સંશોધકોએ યુકે અને અન્ય દેશોમાં કરાયેલા અભ્યાસો પર નજર નાખી તારણો કાઢ્યા હતા કે દીર્ઘજીવન સુધી સામાજિક મેળમિલાપમાં સક્રિય રહેવાથી તેમના માનસિક તણાવો ઘટે છે અને મગજને લોહીનો પુરવઠો વધે છે જે સેરિબ્રોવાસ્ક્યુલર આરોગ્ય માટે જરૂરી છે. વય તો વધતી જવાની છે પરંતુ, મગજ સક્રિય રહશે તો શરીર પણ સ્વસ્થ રહેશે. નિવૃત્તિ પછી પણ સામાજિક સંપર્કો કે સક્રિયતા ગુમાવ્યા વિના જ સતત કાર્યરત કે વ્યસ્ત જિંદગીમાંથી સ્વેચ્છાએ અલગ સામાજિક કારણોસર વ્યસ્ત રહેવાથી કશુંક ગુમાવ્યાનો અફસોસ દૂર થાય છે. લોકોને મદદરૂપ બનવાની ખુશી પણ પ્રાપ્ત થાય છે.
કોવિડ મહામારી દરમિયાન, વાઈરસનો ફેલાવો અટકાવવા આવશ્યક પગલાં તરીકે સામાજિક એકલતામાં રહેવાની જરૂર સર્જાઈ ત્યારે નિષ્ણાતોએ ભય વ્યક્ત કર્યો હતો કે આના પરિણામે, લોકો વધુ ઝડપથી ડિમેન્શીઆ તરફ ધકેલાઈ જશે. લોકડાઉનના ગાળામાં લોકોના માનસિક સ્વાસ્થ્યને ભારે અસર પહોંચી હતી. સામાજિક મેળમિલાપ હજુ મહામારી અગાઉના સ્તરે પહોંચ્યો નથી અને તેના પરિણામે, આ પરિવર્તનોની વૃદ્ધ વયસ્કોના આરોગ્ય તેમજ ડિમેન્શીઆના જોખમ પરની અસર હજુ અસ્પષ્ટ છે. આરોગ્ય નિષ્ણાતો સામાજિક સક્રિયતા વધારવા પર લક્ષ્ય આપી રહ્યા છે.