ઘણી વાર તમે અનુભવ્યું હશે કે થોડુંક ભોજન કરતાં જ પેટ ભારે ભારે લાગે છે, અથવા તો દર થોડાક દિવસના અંતરે કબજિયાતની સમસ્યા હેરાન પરેશાન કરે છે. આ સમસ્યા નિવારવા જરૂરી છે ભોજનમાં ફાઇબર્સનું પૂરતું પ્રમાણ. તમે રોજિંદો જે ખોરાક લો છો, તેમાં રહેલા ફાઈબર્સ ખૂબ ઉપયોગી છે અને આ ફાઇબર્સ વેલ કે છોડ પર થતાં ફળ અથવા શાકમાંથી મળતા છે. આથી જ જ્યારે લાગે કે પાચન સિસ્ટમમાં કંઇક સમસ્યા છે કે પછી કબજિયાતની તકલીફ થઈ છે, ત્યારે ચોક્કસ માની લો કે તમે જે આહાર લો છો, તેમાંથી શરીરને પૂરતા ફાઇબર્સ મળતા નથી.
કેટલાક ખાદ્ય પદાર્થો વિપુલ પ્રમાણમાં ફાઇબર્સ ધરાવે છે. આ ખાદ્ય પદાર્થો કઈ રીતે કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે તે વિશે જાણવું જરૂરી બની છે.
• ફળઃ સકરટેટી, પીચ, અખરોટ, પ્લમ, દ્રાક્ષ વગેરે ફળમાં ફાઇબર્સ ભરપૂર હોય છે. આ ફળમાંથી જેટલા ફળ છાલ સાથે ખાઈ શકાય હોય એવા છાલ સાથે જ ખાવ.
• કઠોળઃ મેંદો અને ચોખાને બદલે તમે બને ત્યાં સુધી કઠોળનો આહારમાં સમાવેશ કરશો તો કબજિયાતની સમસ્યા ઝડપથી દૂર રહેશે. દાળ, ઉપરાંત, ઓટ્સ, બ્રાઉન રાઇસ, આખા ઘઉં વગેરે ખાઈ શકાય છે.
• નટ્સઃ અખરોટ અને બદામ જેવા સૂકા મેવા પણ તમારા આહારમાં ફાઇબર ઉમેરે છે. એ પણ દિવસ દરમિયાન પ્રમાણસર ખાઈ શકાય.
• બિયાંઃ સક્કરટેટીના બી, તરબૂચના બી, ફ્લેકિસ સીડ્સ વગેરેમાંથી પણ ભરપૂર ફાઈબર મળે છે. આને સ્મૂધી બનાવીને અથવા તો સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો.
• બિન્સઃ વટાણા, સોયાબીન, લેન્ટિલ્સ, રાજમા જેવા કઠોળમાં ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. અલબત્ત, ઘણાને કઠોળ ખાવાથી ગેસની તકલીફ થઈ શકે છે. પણ જો આવી કોઈ તકલીફ ન થતી હોય તો કઠોળ ખૂબ સારા રહે છે.
• શાકભાજીઃ કબજિયાતની સમસ્યા વારંવાર રહેતી હોય તો લીલાં પાંદડાવાળા શાક અથવા સ્ટોક કે મૂળિયા ધરાવતા શાક ખાઈ શકો છો. કોઈ પણ પ્રકારની ભાજી કબજીયાતની સમસ્યામાં ખૂબ સારી રહે છે. લીલી ડુંગળી, મેથી, પાલક, બટાકા વગેરેમાં ફાઇબર હોય છે અને તે તમારા પાચનતંત્રને નરવું રાખે છે. બટાકા ખાવ ત્યારે તેને સારી રીતે ધોઈને છોલ્યા વિના જ આહારમાં સામેલ કરવા.
ફાઇબરના બે પ્રકાર
ફાઇબર સોલ્યુબલ અને ઇન્સોલ્યુબલ એમ બે પ્રકારના હોય છે. સોલ્યુબલ ફાઇબર પાચક રસ સાથે ભળીને ઓગળી જાય છે. જ્યારે ઇન્સોલ્યુબલ ફાઇબર પાણીમાં ઓગળતા નથી. આ સાથે એક બાબતનું ધ્યાન રાખવાની પણ જરૂર છે કે વધારે પડતા ફાઇબર્સનું સેવન પણ તમારા પાચન તંત્રને નકુસાન પહોંચાડી શકે છે. અને તેના લીધે ગેસ તેમજ અન્ય સમસ્યા થવાની સંભાવના પણ રહે છે. આથી તેના પ્રમાણનો ખ્યાલ અવશ્ય રાખવો. કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે રોજના ૨૦થી ૨૫ ગ્રામ ફાઈબર આહારમાં સામેલ કરી શકો છો.