સુકામેવાની વાત આવે ત્યારે મોટા ભાગે લોકો બદામ, કાળી દ્રાક્ષ અને અખરોટને જ મહત્વ આપતા હોય છે. આ સુકોમેવો સ્વાસ્થ્ય માટે લાભદાયક છે તેમાં બેમત નથી, પરંતુ આ યાદીમાં અંજીરને પણ સામેલ કરવાની જરૂર છે. અંજીરને પોષક તત્વોનો ખજાનો કહેવામાં આવે છે. તેનું નિયમિત સેવન ફાયદાકારક છે. અંજીરને અન્ય ડ્રાયફ્રુટની માફક ખાઇ શકાય છે, પરંતુ તેને કાળી દ્રાક્ષની માફક રાતના પલાળીને સવારે ખાવાથી વધુ ફાયદો મળે છે. અંજીરમાં સમાયેલા પોષક તત્વોની વાત કરીએ તો, તેમાં ઝિંક, મેંગનીઝ, મેગ્નેશિયમ, આયર્ન જેવા તત્વો સમાયેલા છે. ઉપરાંત તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને ફાઇબરની અધિક માત્રા હોય છે. અંજીરમાં સમાયેલા પોષક તત્વોનો વધુ ફાયદો લેવો હોય તો એક-બે અંજીરને રાતના અડધો કપ પાણીમાં પલાળી દો ને સવારે નયણે કોઠે સેવન કરો. અંજીર સાથે બદામ તેમજ અન્ય સુકામેવા પણ ભીંજવી શકાય.
• અંજીરમાં પ્રચૂર માત્રામાં પોટેશિયમ હોય છે, જે શરીરમાંના સુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. ઘણા સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે, અંજીરમાં સમાયેલ ક્લોરોજેનિક એસિડ બ્લડ સુગરના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. પાણીમાં રાતના પલાળેલા અંજીરનું સવારે સેવન કરવાથી ટાઇપ-ટુ ડાયાબિટીસમાં પણ બ્લડ ગ્લૂકોઝના લેવલને અંકુશમાં લાવી શકાય છે. અંજીરને સલાડ, સ્મૂધી, કોર્નફ્લેકસ બાઉલ અથવા ઓટ્સમાં સમારીને સામેલ કરી શકાય છે તેમજ સુકા મેવા તરીકે પણ આરોગી શકાય છે.
• અંજીરમાં ફાઇબરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે તેથી કબજિયાત તેમજ હરસની તકલીફમાં તેના સેવનની તબીબો દ્વારા સલાહ અપાતી હોય છે. અંજીર મળત્યાગને સામાન્ય કરીને રાહત આપે છે. આંતરડાને સ્વસ્થ રાખવા માટે અંજીરનું સેવન કરવું જરૂરી છે.
• વજન ઘટાડવા માટે ડાયેટ ચાર્ટને અનુસરતા હો તો અંજીરનો પણ આહારમાં સમાવેશ કરી શકાય છે. સામાન્ય રીતે જે ખાદ્યપદાર્થમાં ફાઇબર હોય છે તે વજન ઘટાડવા માટે આવશ્યક મનાય છે. આમાં પણ પ્રચુર માત્રામાં ફાઇબર હોય છે. જોકે અંજીરમાં કેલરી વધુ હોવાથી તેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઇએ, નહીં તો વજન વધારી શકે છે.
• અંજીરમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે, જે હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. શરીરમાં કેલ્શિયમની માત્રા વધારવા માટે દૂધ, સોયા, પાંદડાયુક્ત ભાજીઓ અને અંજીર જેવા બહારના સ્ત્રોત પર આધાર રાખવો પડતો હોય છે.
• અંજીરમાં સમાયેલા એન્ટી-ઓક્સિડેન્ટ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે, અંજીર શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદય સંબંધી સમાસ્યાનું એક મુખ્ય કારણ છે.
• મૂત્ર સંબંધિત તકલીફોમાં અંજીરનું સેવન રાહત આપે છે. તે શરીરમાંથી મૂત્ર દ્વારા વિષેલા પદાર્થોને બહાર ફેંકે છે અને કેલ્શિયમને રોકે છે.
• અંજીરમાં પેક્ટિન નામના સોલ્યુબલ ફાઇબર સમાયેલા હોય છે, જે રક્તમાંના બેડ કોલસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે. ઉપરાંત અંજીરમાંનો ફાઇબર ગુણ પાચન તંત્રમાંથી પણ વધારાના કોલસ્ટ્રોલને દૂર કરે છે.
• લોહીમાં આયર્નની ઊણપ હોય તો તેને અંજીર ખાવાની તબીબ સલાહ આપે છે. અંજીરને આયર્નનો મુખ્ય સોર્સ માનવામાં આવે છે. તેના સેવનથી રક્તમાંના હિમોગ્લોબિનનું સ્તર વધે છે. અંજીરના સેવનથી રક્તમાં આયર્નની માત્રા વધી જાય છે અને શરીરને કોઇ પણ બીમારીમાં લડવામાં સક્ષમ બનાવે છે.
• અંજીર અસ્થામાના રોગીઓને પણ રાહત આપે છે. અંજીરના સેવનથી શરીરમાંના મ્યૂકને નમી મળે છે અને કફ દૂર થાય છે. જેથી અસ્થમાના દરદીઓને રાહત વર્તાય છે.