હંમેશા યાદ રાખો કે તમારી ક્ષમતા જ મહત્ત્વની છે. ઉંમર એ તો માત્ર એક આંકડો છે. તમારી ક્ષમતા અનુસારની કસરત સ્વાસ્થ્ય અને ફિટનેસ જાળવે છે. એ સાચું છે કે વય વધવાની સાથે સ્નાયુની શક્તિ, હાડકાંની ડેન્સિટી ઘટે છે, જે શરીરમાં સ્નાયુઓને ચરબીમાં ફેરવે છે. સંશોધનો દર્શાવે છે કે કોઇ પણ વયે કસરત કરવાથી તેનું હકારાત્મક પરિણામ મળે જ છે. જેમ કે, માસ, સ્નાયુઓ દૃઢ બનવા, હાડકાંની ડેન્સિટી વધવી અને એકંદરે સ્વાસ્થયમાં વૃદ્ધિ થવી, ભલે પછી વ્યક્તિની વય 95 વર્ષ કેમ ન હોય!
કસરત કરવાની ક્ષમતાઃ જ્યારે કસરત કરવાની પસંદગીની આવે ત્યારે તમારી વય કરતાં ક્ષમતાને અગ્રીમતા આપવી જોઇએ. વય વધતાં ઘણાં વડીલો ઉંમર સાથે સંબંધિત સ્વાસ્થ્ય - સમસ્યાનો સામનો કરતાં હોય છે. જેવી કે, ટાઇપ-2 ડાયાબિટીસ, ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ, હૃદયરોગ અને બલ્ડ પ્રેશર વ્યક્તિની કસરત કરવાની ક્ષમતાને અસર કરે છે. જોકે રોજિંદી કસરત કરવાથી આ તમામ જોખમોને ઘટાડી પણ
શકાય છે.
કયા પ્રકારની કસરત? દરેક વ્યક્તિ પોતાની વય અનુસાર કસરત કરી શકે છે. કયા પ્રકારની કસરત કરવી એ કોઇ ફિટનેસ ટ્રેનર અથવા તમારા ડોક્ટર પાસેથી જાણી લો. છતાં એક વાત યાદ રાખો કે તમે જે કસરત કરો, તે તમારા માટે થોડી પડકારરૂપ તો બનવાની જ છે. ઉંમર ગમેતેટલી હોય, પડકાર ઝીલતા રહો અને જિંદગીની મજા માણતા રહો.
સક્રિય જીવનશૈલીઃ આજની જીવનશૈલીમાં કેટલીક સામાન્ય પ્રવૃત્તિઓ કરવાનું હંમેશા ચાલુ રાખો. જેમ કે, ચાલવું, જોગિંગ કરવું અથવા તો સાઇક્લિંગ કરવું. એની તાત્કાલિક સારી અસર એ જોવા મળે છે. સક્રિય રહેવાને લીધે ફિટનેસ જળવાય રહે છે, અને આ માટે ચાલવું એ એ અતિ ઉત્તમ વિકલ્પ છે. આને તમે સરળતાથી અમલમાં મૂકી શકો છો. જેમ કે, ઘરમાં બેઠાં બેઠાં ટીવી પ્રોગ્રામ જૂઓ છો, અને વચ્ચે જાહેરાત આવે તો ઊભા થઇને એક આંટો
મારી લો. ઘરની આસપાસ નાની લટાર મારવી કે પગથિયા ચડવા-ઉતરવાથી પણ શરીર સક્રિય
રહે છે.
ક્ષમતા અનુસાર સંયોજનઃ તમારી શક્તિનું સંતુલન કાર્ડિયો એક્સરસાઇઝના યોગ્ય સંયોજન થકી જાળવી શકો છો. તમારી વયને ધ્યાનમાં રાખીને શક્તિ અનુસાર વર્કઆઉટ કરવાની માનસિકતા દાખવો. કસરતનું મુખ્ય ધ્યેય રોજિંદી શારીરિક ક્રિયાઓ કે એવી પ્રવૃત્તિઓ કરવાનું છે જેથી શરીરની ઊર્જા, ફ્લેક્સિબિલીટી અને બેલેન્સમાં વધારો થાય. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ અથવા 150 મિનિટ કે 75 મિનિટની કસરત તો અવશ્ય કરવી જ જોઇએ. તમારી જાતને રોજ નવો પડકાર આપો અને તેને સફળતાપૂર્વક પૂરો કરવા પ્રયાસ કરો.