અમેરિકન પ્રમુખ જો બાઈડેનના ચહેરા પર જોવા મળતી રહસ્યમય કરચલીને લઈને કેટલાક દિવસથી ચર્ચા ચાલતી હતી. જોકે હવે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરીને ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. વ્હાઈટ હાઉસે કહ્યું છે કે બાઈડેન સ્લીપ એપ્નિયાથી પીડાઈ રહ્યા છે. આ બીમારીમાં ઊંઘમાં શ્વાસ બંધ થઈ જતો હોવાથી ફેફસાંમાં ઓક્સિજન સપ્લાય અટકી જાય છે. તેથી બાઇડેન સી-પેપ એટલે કે કન્ટિન્યુઅસ પોઝિટિવ એર-વે પ્રેશરનો ઉપયોગ કરે છે. તો ચાલો, આપણે પણ જાણીએ કે સ્લીપ એપ્નિયાના લક્ષણો શું છે અને તેનો સામનો કેવી રીતે કરી શકાય...
સ્લીપ એપ્નિયા ઊંઘ સાથે સંકળાયેલી બીમારી છે, જેમાં ઊંઘમાં જ શ્વાસ બંધ થઈ જાય છે. અને થોડી વારમાં ફરી શ્વાસ શરૂ થઈ જાય છે. આ સ્થિતિ ઊંઘમાં જ સર્જાય છે. આ બીમારી બે પ્રકારની હોય છે. પહેલી ઓન્સ્ટ્રક્ટિવ, તેમાં ગળાની માંસપેશીઓ શિથિલ થઈ જાય છે અને ફેફસાંનું એર સર્ક્યુલેશન બંધ થઈ જાય છે. બીજી સેન્ટ્રલ, મગજ શ્વાસને નિયંત્રિત કરતી માંસપેશીઓને યોગ્ય રીતે સંકેત આપી શકતું નથી. આ બંને સ્થિતિમાં ઊંઘમાં દસ કે તેથી વધુ સેકન્ડ શ્વાસ અટકી જાય છે.
બીમારીના લક્ષણો ક્યા?
સ્લીપ એપ્નિયાની સ્થિતિ ત્યારે હોય છે, જ્યારે તમે ભાનમાં નથી હોતા. આથી સામાન્ય રીતે તે વિશે ખબર નથી પડતી. લાંબા સમય સુધી આ બાબતો ૫૨ ધ્યાન ના અપાય તો સ્ટ્રોકનું જોખમ રહે છે. અમેરિકન સ્લીપ એપ્નિયા એસોસિયેશને તેના કેટલાક લક્ષણો જણાવ્યા છે, જેનાથી તેની ઓળખ થઈ શકે છે. જેમ કે, • નિયમિત રીતે મોટા નસકોરાં બોલતા હોય. • ઊંઘમાં શ્વાસ અટકી જવાની કે હાંફની અનુભૂતિ થતી હોય. • ઊંઘમાંથી ઊઠીને માથું દુખે, થાક લાગે કે સુસ્તી અનુભવાતી હોય. • આખો દિવસ થાક લાગતો હોય. • બેસતા, વાંચતા, ટીવી જોતાં કે કાર ચલાવતી વખતે પણ ઝોકાં આવતા હોય. • ધ્યાન કેન્દ્રિત કરવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી અનુભવાતી હોય.
• કારણ ક્યા? ઓબેસિટી (મેદસ્વિતા) ઓન્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયાનું જોખમ વધારે છે. આ ઉપરાંત જાડી ગરદન, ઉંમર, જિનેટિક, દારૂ કે અન્ય નશા, ધુમ્રપાનના કારણે પણ સ્લીપ એપ્નિયાની મુશ્કેલી સર્જાઈ શકે છે.
• રાહતના ઉપાય ક્યા?ઃ આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટર સ્લીપ ટેસ્ટ (પોલીસોમ્નોગ્રામ) થકી બ્રેઈન વેવ, હાર્ટ રેટ, બ્રીથ અને બ્લડ ઓક્સિજનના સ્તરને ટ્રેક કે રેકોર્ડ કરે છે. સી-પેપ મશીન ફેફસાંના વાયુ માર્ગને ખુલ્લો રાખે છે, જેથી સૂતી વખતે ઓક્સિજનનો પુરવઠો વહી શકે.