કેટલીક વખત બાળકો રડે છે ત્યારે પેરેન્ટસ તેમને શાંત કરવા માટે મોબાઇલ અથવા તો ટેબ્લેટ પકડાવી દે છે. આના કારણે બાળકો શાંત તો તરત થઇ જાય છે પરંતુ ભવિષ્યમાં આનાં ગંભીર પરિણામો સામે આવી શકે છે. હકીકતમાં નવ વર્ષની વય પૂર્ણ થયા બાદ આ પ્રકારનાં બાળકો જ્યારે બહારના સમાજનાં અન્ય બાળકોની સાથે સંપર્કમાં આવે છે ત્યારે વધારે સ્ક્રીન ટાઈમની ટેવના લીધે બીજા સાથે જલદી મિત્રતા કરી શકતાં નથી. તેમની સાથે યોગ્ય રીતે તાલમેળ સાધી શકતાં નથી. તેમની એકાગ્રતા ઘટે છે. સાથે સાથે તેમની કામ કરવાની ક્ષમતાને પણ અસર થાય છે.
સ્ક્રીનની બાળકો પર થઇ રહેલી અસરને જાણવા માટે હાલમાં જ હાર્વર્ડ યુનિવર્સિટી સેન્ટર ઓફ ડેવલપિંગ ચાઇલ્ડમાં અભ્યાસ હાથ ધરાયો હતો. જેમાં કેટલીક ઉપયોગી બાબતો સામે આવી હતી. જેમ કે, 9 વર્ષની વય સુધી વધારે પ્રમાણમાં મોબાઇલ કે ટેબ્લેટનો ઉપયોગ કરનારાં બાળકોનું શૈક્ષણિક દેખાવ નબળો થઇ જાય છે. શોધમાં આ બાબત પણ જાણવા મળી કે આના કારણે માનસિક આરોગ્યને નુકસાન થાય છે. આ અભ્યાસના આધારે સ્પષ્ટ શબ્દોમાં તારણ રજૂ કરાયું છે કે બાળકોને બાળપણમાં મોબાઇલ અથવા તો ટેબ્લેટ આપવાથી નુકસાન થાય છે. તેમના હાથમાં મોબાઇલ પકડાવી દેવાની બાબત ખરેખર તો તેમનું બાળપણ આંચકી લેવા સમાન છે. બાળકોને સામાજિક ગતિવિધિમાં વ્યસ્ત રાખવાની જરૂર છે. આના કારણે બાળકોને શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળે છે.
બાળકોના યોગ્ય વિકાસ માટે સૌથી પહેલાં તો તેમનો સ્ક્રીન ટાઇમ નિર્ધારિત કરવાની જરૂર છે. બાળકોને વધુમાં વધુ પ્રશ્ન કરવાનો અવસર આપો. અને શક્ય હોય ત્યાં સુધી તેમના તમામ પ્રશ્નોના જવાબો આપો. બાળકોને ઘરનાં નાનાં નાનાં કામ પણ સોંપી શકાય છે. જેમ કે, બાળકોને કપડાં કે પોતાના રમકડાં વ્યવસ્થિત રીતે મૂકવાની સમજણ આપવી જોઇએ.