જો તમને લાગે છે કે હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ ટીનેજર્સને થતી નથી તો ફરી એક વખત તેના પર વિચાર કરો. અમેરિકી શહેર ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન હોસ્પિટલના પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડો. જૂલી બ્રધર્સના અનુસાર બાળકોમાં સ્થૂળતા વધવાની સાથે સાથે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ વધી રહી છે. હાઈ કોલેસ્ટ્રોલ જ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનું મુખ્ય કારણ છે. કોલેસ્ટ્રોલ લોહીમાં જોવા મળતો ચરબી જેવો એક પદાર્થ (લિપિડ) છે. લોહીમાં તેના અનિયમિત સ્તરને ડિસ્લિપિડેમિયા કહે છે. અનિયમિત કોલેસ્ટ્રોલ અને ફેટના કારણે ડિસ્લિપિડેમિયા ધમનીઓમાં પ્લાક એકઠું કરે છે. ધમનીઓ જાડી થઈ જાય છે અને રક્તપ્રવાહ પણ પ્રભાવિત થાય છે. તેનાથી જ હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે. ડો. જૂલી બ્રધર્સના અનુસાર હાઈ કોલેસ્ટ્રોલને જો નિયંત્રિત ન કરવામાં આવે તો 20 વર્ષની યુવાવસ્થામાં પણ હાર્ટ એટેક આવી શકે છે. નાશ્તામાં દરરોજ એક ફળ અને ઓછામાં ઓછું 500 પગલાં ચાલવું કે એક કલાક રમતગમતથી બાળકોમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.
• ટેસ્ટિંગઃ
હૃદયરોગનો ઈતિહાસ કે સ્થૂળતા હોય તો જરૂર મેડિકલ ટેસ્ટ કરાવો. અમેરિકાના ધ નેશનલ હાર્ટ, લંગ અને બ્લડ ઈન્સ્ટિટ્યૂટ (એનએચએલબીઆઈ)ના અનુસાર સામાન્ય સ્થિતિમાં પણ 9થી 11 વર્ષની વયના ટીનેજર્સમાં એક વખત કોલેસ્ટ્રોલનો ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. જો બધું જ સામાન્ય છે તો 17થી 21 વર્ષની વયમાં ફરીથી ટેસ્ટ કરાવો.
• ડાયટઃ
ફળ અને શાકભાજીમાં વિટામિન, એન્ટીઓક્સિડેન્ટ્સ, ફાઈબર, મિનરલ અને પાણી હોય છે. શુગર, સોડિયમ અને ફેટનું પ્રમાણ પણ ઘણું ઓછું જોવા મળે છે. તે ન્યુટ્રિશન કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. જ્યારે નટ્સમાં પ્રોટીનની સાથે જ એવી ફેટ પણ હોય છે, જે હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
• રમતગમતઃ
બાળકોને રોજ ઓછામાં ઓછું એક કલાક રમવા દો. રમતગમત અને કસરત લોહીમાં એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. એચડીએલ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર ફેંકે છે. બાળકોને રોપ જમ્પિંગ કરાવો. 10 મિનિટ સુધી કરવામાં આવેલા રોપ જમ્પિંગથી 30 મિનિટ સુધી જોગિંગ જેટલી ઊર્જા વપરાય છે.