હેલ્થ ટિપ્સઃ બ્રેઇન સ્ટ્રેચિંગ થકી મગજને રાખો ચેતનવંતુ

Sunday 05th December 2021 07:16 EST
 
 

ઉંમર વધવાની સાથે મગજમાં અનેક પરિવર્તનો આવે છે. જેમ કે, ઓછું સંભળાવું, આંખોનું તેજ ઝાંખુ પડવું, વધતી વય સાથે શરીરની ગતિ ધીમી પડતી જાય છે અને યાદશક્તિ પણ ઓછી થતી જાય છે. બ્રેન-સ્કેન ટેક્નિક દ્વારા જાણી શકાય છે કે, વૃદ્ધાવસ્થામાં તમારું મગજ કેટલું સંકોચાઈ ગયું છે. મગજ સંકોચાવાને કારણે જ યાદશક્તિ પર તેની અસર પડે છે. જો મગજને એક્ટિવ રાખવામાં આવે તો આ સમસ્યામાંથી બચી શકાય છે. આ માટે શું કરવું જોઇએ? વાંચો આગળ...
• સંગીત: માનસિક વિકાસ માટે સંગીત એક ઉત્તમ માધ્યમ છે. સંગીત ઉદાસીનતા અને આનંદ જેવા મનોભાવને પ્રભાવિત કરે છે. મૂડ પ્રમાણે તમારું મનગમતું ગીત ચાલુ કરો અને એકદમ રિલેક્સ થઈને તેને સાંભળો. તેનાથી મનને શાંતિ મળે છે અને તમારું મનોરંજન પણ થાય છે. વૃદ્ધાવસ્થામાં બ્રેઈન સ્ટ્રેચિંગ માટે સંગીત સાંભળવાથી ઘણો લાભ થાય છે.
• શોખને સાકાર કરો: શોખ માત્ર સમય પસાર કરવા માટે નથી હોતા. તમારા શોખ બ્રેઈન સ્ટ્રેચિંગને પણ એક્ટિવ કરે છે અને જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. શોખ વ્યક્તિને માનસિક રીતે એક્ટિવ રાખવામાં મદદ કરે છે. શોખમાં તમે કોઈ પણ કાર્યનો સમાવેશ કરી શકો છો, જેમ કે, ગાર્ડનીંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઘરની સજાવટ, ફોટોગ્રાફી વગેરે કંઇ પણ. વૃદ્ધાવસ્થામાં બ્રેઈન સ્ટ્રેચિંગનો મૂળ મંત્ર તમારું કોઈ પણ મનગમતું કામ હોઈ શકે છે.
• વાંચન: વાંચનથી મગજની કાર્યક્ષમતા અને કનેક્ટિવિટીમાં સુધારો થાય છે. પુસ્તક વાંચવું અથવા કોઈ ગેજેટ દ્વારા સાંભળવાથી પણ બ્રેઈન સ્ટ્રેચિંગ થાય છે. તેનાથી મગજ શાંત થાય છે અને કસરત મળે છે, આ સાથે બીજા બધા ફાયદા એ તો અલગ. જો કોઈ વડીલ વાંચવા માટે સક્ષમ ન હોય તો પરિવારના કોઈ સદસ્ય અથવા મિત્રની મદદ પણ લઈ શકાય છે.
• રમત: કોઇ પણ રમત મગજની સાથે સાથે શરીર માટે પણ અનેક રીતે લાભકારી છે. કાર્ડ ગેમ અથવા ચેસ જેવી બોર્ડ ગેમ રમીને તમે મગજને વધુ એક્ટિવ રાખી શકો છો.
• અવનવી રસોઈ બનાવોઃ રસોઈ કરવાથી મગજ ફ્રેશ અને એક્ટિવ રહે?! હા, ઘણા લોકોનું માનવું છે કે, રસોઈ કરવી એ પણ એક થેરેપી જેવું છે, તેનાથી મગજને શાંતિ મળે છે અને તે ફ્રેશ રહે છે. મગજને કાર્યરત રાખવા માટે આ પ્રયોગ પણ તમે કરી શકો છો.
• પાલતું પ્રાણી થકી બ્રેઈન સ્ટ્રેચિંગ: પાલતું પ્રાણીઓ વ્યક્તિના માનસિક તણાવને ઓછો કરવામાં મદદ કરે છે એ તો વિવિધ અભ્યાસોમાં પણ પુરવાર થયેલું છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં તેમજ હૃદય સંબંધી બીમારીઓમાં પાલતું પ્રાણી દવાનું કામ કરે છે. ખાસ તો, એકલા રહેતા વડીલો માટે પાલતું પ્રાણી આનંદ અને આરામનું પણ કારણ બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter