દુનિયાભરમાં હાઇ બ્લડપ્રેશરની બીમારી ભરડો લઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે હાઇ બ્લડપ્રેશરનો ભોગ બનેલામાંથી માત્ર 12 ટકા લોકો જ તેને નિયંત્રણમાં રાખી શકે છે. હૃદયરોગ, સ્ટ્રોક અને કિડનીથી જોડાયેલી સમસ્યાઓ માટે હાઇ બીપી મુખ્ય કારણ છે. તેને અંકુશમાં રાખવાનું પહેલું પગલું તેની યોગ્ય તપાસ છે. જોકે કેટલાક લોકોનું બીપી તો માત્ર ડોક્ટર પાસે જવાના કારણે જ વધી જાય છે. હાર્વર્ડ યુનિવર્સિટી આને ‘વ્હાઇટ કોટ હાઇપરટેન્શન’ તરીકે ઓળખાવે છે. તો પછી આનો ઉપાય શું? નિષ્ણાતો કહે છે કે આનો સારો વિકલ્પ પોતાના ઘરે જ અલગ અલગ સમયે પર બીપી ચેક કરતા રહેવાનો છે. તેના માટે માત્ર હાથમાં બાંધવામાં આવતું કાફ મશીન જ પસંદ કરો. કાંડા અથવા આંગળી પર લગાવાયેલા મશીનનું રીડિંગ સચોટ હોતું નથી. આ ઉપરાંત આટલી બાબતની કાળજી અવશ્ય લો.
• 30 મિનિટ રુલ અપનાવો. ચા, કોફી અથવા સ્મોકિંગના 30 મિનિટ બાદ જ બ્લડપ્રેશર ચેક કરો કારણ કે કેફીન અને નિકોટિનથી રક્તવાહિની સંકોચાય છે, જેનાથી હૃદયની ગતિ વધે છે, અને તેનાથી બીપી વધી શકે છે. દારૂ ના પીઓ તો સારું છે કારણ કે દારૂથી રક્તવાહિની ઢીલી થઇ જાય છે. તેનાથી બીપી ઘટી શકે છે.
• શરીર પરથી દબાણ ઘટાડો. આ માટે બીપી માપતાં પહેલા યુરિન કરી લો કારણ કે જો બ્લેડરમાં યુરિન હશે તો તેનાથી દબાણ વધશે. કિડનીમાં પહોંચતા લોહીનો પ્રવાહ ઘટી જશે. એવામાં પર્યાપ્ત લોહી માટે કિડની પ્રેશર વધારે છે.
• પગને ક્રોસ કરીને બેસવાનું ટાળો. જ્યારે તમે પગને ક્રોસ કરો છો ત્યારે ખાસ કરીને ઘુંટણ સુધી તો થોડીક વાર માટે બીપી વધી જ જાય છે. જો પગ અને હાથનો સપોર્ટ ન મળે તો સ્નાયુઓ જકડાઇ જાય છે. આનાથી રીડિંગ પ્રભાવિત થઇ શકે છે, એટલે જ પંજાને જમીન પર રાખીને ખુરશી પર સીધા બેસો. હાથ ટેબલ પર રાખો.
• રીડિંગ લેતા પહેલા કેટલીક ક્ષણ શાંત બેસો. આમ કરવાનું કારણ એ કે સામાન્ય તણાવ કે ચિંતા પણ બીપીમાં વધારો કરી શકે છે. એવામાં જે હાથથી બીપી માપવાનું હોય તેમાં કાફને સારી રીતે બાંધી દો. ત્યારબાદ
કેટલીક મિનિટ શાંત થઇને બેસો, અને પછી રીડિંગ લો.