આજની તણાવપૂર્ણ જીવનશૈલી આપણા સહુના તન-મન પર એક યા બીજા રીતે વિપરિત અસર કરી રહી છે. બેઠાડુ જીવન, ઓબેસિટી, ભોજનમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ, એક્સરસાઈઝનો અભાવ અને ડાયાબિટીસ આપણને બ્લડપ્રેશરની તકલીફ સુધી દોરી જાય છે. એક વાર લોહીની નસો પર દબાણ થવાનું શરૂ થઈ જાય પછી વ્યક્તિને આ બીમારીનો ભોગ બનતાં અટકાવી શકાતી નથી. કુટુંબમાં કોઈને પણ આ બીમારી હોય તેમણે તો ખાસ પોતાની લાઈફસ્ટાઈલ માટે સજાગ રહેવું જોઈએ.
હાઈ બ્લડપ્રેશરની દવા એક વાર ચાલુ થાય પછી ભાગ્યે જ બંધ થઇ શકે છે. આ એવો રોગ નથી કે દવા લીધી અને મટી ગયો. સતત જીવીએ ત્યાં સુધી દવા લેવી પડે છે. ઘણા લોકો આ વાતને સમજતા નથી અને ઘણાં એવું પણ માને છે કે બ્લડપ્રેશરની એક ગોળી લીધી એટલે આપણે છુટ્ટા, પણ ના એવું નથી. લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. અમુક ફૂડ એવું છે જે બ્લડપ્રેશરના દર્દીઓ પોતાના આહારમાં સમાવે તો તેમને ઘણો ફાયદો થાય છે. જેમ કે,
• બીટઃ બીટમાં નાઈટ્રિક એસિડ ખૂબ વધારે માત્રામાં હોય છે. તે લોહીની નળીઓને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. એક રિસર્ચ મુજબ બીટમાં રહેલું નાઈટ્રેટ માત્ર ૨૪ કલાકની અંદર વધેલા પ્રેશરને ઓછું કરવાની ક્ષમતા ધરાવે છે. આવી તાત્કાલિક અસરને ના માનીએ તો પણ બીટનું જ્યૂસ હાઈ બ્લડપ્રેશરમાં ખૂબ જ ઉપયોગી છે.
• સ્કીમ્ડ મિલ્ક અને દહીંઃ મલાઈ વગરનું પાતળું દૂધ કેલ્શિયમનો સારો સોર્સ છે. જેમને દૂધ ન ભાવતું હોય તે દહીં ખાઈ શકે છે. એક રિસર્ચ એવું પણ કહે છે કે જે સ્ત્રીઓ અઠવાડિયામાં પાંચ વખત દહીં ખાય છે તેને હાઈ બ્લડપ્રેશરનું જોખમ ૨૦ ટકા જેટલું ઘટી જાય છે.
• જુવાર - બાજરો - નાચણીઃ જે ખોરાકમાં ફાઈબર વધુ, ફેટ ઓછું અને સોડિયમ પણ ઓછું હોય તેવો ખોરાક હાઈ બ્લડપ્રેશર માટે બેસ્ટ ગણાય છે. આ ત્રણેય ગુણ જુવાર, નાચણી અને બાજરીમાં છે. આપણા ત્યાં તો ઘઉં અને ચોખા વધુ પ્રમાણમાં ખવાય છે. તેના બદલે આ ત્રણ ધાન્ય બેસ્ટ ગણાય છે.
• કેળાંઃ કેળાંમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ સોડિયમના પ્રમાણને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. કિડનીમાંથી વધુ પડતું સોડિયમ યુરિન વાટે બહાર નીકળી જાય એ પ્રોસેસમાં પોટેશિયમનો મહત્ત્વનો ભાગ છે. તેથી કેળાં બ્લડપ્રેશરના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી ફળ છે.
• સીડ્સઃ દરેક પ્રકારના બીજ (સીડ્સ) અત્યંત ગુણકારી છે. બ્લડપ્રેશર જેવા લાંબા ગાળાના અને જટિલ રોગોમાં તે અત્યંત ઉપયોગી છે. તલ, અળસી, સૂર્યમુખી, કોળું, ચિયા કે ચીભડાં આ પ્રકારના તમામ બી બજારમાં મળે છે. બધાં બી ભેગાં કરીને તેને સૂકવીને એરટાઈટ ડબ્બામાં ભરી દેવાં. સ્નેકની જેમ પણ તે ખાઈ શકાય. રોજ એક ચમચી બી લેવા.
• લસણઃ લસણમાં નાઈટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. તેના કારણે હાઈપરટેન્શનને કાબૂમાં રાખવું જરૂરી બને છે. લસણ લોહીની નળીઓને પહોળી કરે છે. તેના લીધે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તમે રોજિંદા ખોરાકમાં લસણનો સમાવેશ કરી શકો છે.
• ડાર્ક ચોકલેટ - પિસ્તાઃ ડાર્ક ચોકલેટથી બ્લડપ્રેશર કાબૂમાં રહેવાના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનું રિસ્ક ઘટી જાય છે. પિસ્તા એવું ડ્રાયફ્રૂટ છે જેના કારણે લોહીની નળીઓની સખતાઇ ઘટે છે. આ નળીઓ કડક થાય ત્યારે અનિયમિત ધબકારાની સમસ્યા આવતી હોય છે. એનું રિસ્ક પણ ઘટે છે. રોજના ૩-૫ પિસ્તા ખાવા જોઈએ. આ ઉપરાંત દાડમ બ્લડપ્રેશરના દર્દીઓએ રોજ ખાવું જોઈએ. તેના સારાં પરિણામ મળે છે.