આપણી કહેવત ભાદરવામાં ઉગતા ભીંડાને તાજા તાજાં ખાવાનું કહે છે પરંતુ, હવે તો ભીંડા બારેમાસ મળે છે. ઘણાં લોકો ભીંડા ચીકણા હોવાથી ખાવાનું ટાળે છે પરંતુ, તેમાં વિટામીન્સ, મિનરલ્સ, ફાઈબર, પ્રોટીન અને બહુ થોડી ચરબી પણ હોવાથી આરોગ્ય માટે તેને ખાવા જરૂરી છે. ઘણા કૂણાં લીલાં ભીંડાને કાચા ખાવાનું પણ પસંદ કરે છે કારણ કે તેના લાભ વધુ હોય છે તો કેટલાક લોકો કાપેલા ભીંડાને આખી રાત પલાળેલા રાખી સવારે તેનું પાણી પીવાનું પસંદ કરે છે. આવું પાણી પીનારા લોકોના કહેવા અનુસાર આનાથી પાચન સુધરે છે અને વજન ઘટે છે. જોકે ભીંડાની એલર્જી હોય તેમણે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લઇને જ આ પાણી પીવું જોઇએ. સંશોધનો કહે છે કે પલાળેલા ભીંડાનું પાણી પીવાની સરખામણીએ કાચા ભીંડા ખાવાના લાભ વધુ મળે છે. બીજી તરફ, ભીંડા ખાવામાં અતિરેક પણ ટાળવો જોઈએ કારણ કે તેનાથી પાચનની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.
ભીંડા ખાવાથી આરોગ્યને ફાયદો
વર્ષોથી ડાયાબિટીસની સારવારમાં ભીંડાનો ઉપયોગ થતો આવ્યો છે. તાજેતરમાં 60 લોકો પર તેનો પ્રયોગ કરાયો હતો જેમને આખા ભીંડાની કેપ્સ્યૂ્લ્સ (1000 મિલિગ્રામ) દર 6 કલાકે આઠ સપ્તાહ સુધી આપવામાં આવી હતી. અન્ય ગ્રૂપને પ્લેસીબો અપાઈ હતી. કેપ્સ્યૂલ્સ અપાયેલા જૂથના ફાસ્ટિંગ બ્લડ સુગર, બ્લડ સુગર અને હિમોગ્લોબીન A1C (HbA1c)ના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સમગ્રતયા જોઈએ તો ભીંડા • બ્લડ સુગર કાબુ રાખવામાં મદદ કરે છે, • ઓછી કેલરી હોવાથી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે, • ખોરાકના પાચનમાં મદદ કરે છે, અને તેમાં રહેલા વિટામીન A અને C ત્વચાને નિખારે છે.
કાચા ભીંડાના એક કપમાંથી શું મળશે?
• કેલરી - 33 • ચરબી 0.19 ગ્રામ • સોડિયમ 7 મિલિગ્રામ • કાર્બોહાઈડ્રેટ્સ 7.45 ગ્રામ • ફાઈબર 3.2 ગ્રામ • પ્રોટીન 1.93 ગ્રામ • વિટામીન-સી 23 મિલિગ્રામ • ફોલેટ 60 માઈક્રોગ્રામ • વિટામીન K 31.3 માઇક્રોગ્રામ • વિટામીન-A 36 માઇક્રોગ્રામ • મેગ્નેશિયમ 57 મિલિગ્રામ સહિત અનેક પોષકતત્વો મળે છે.