મગજની કાર્યક્ષમતા, ફોકસ અને યાદશક્તિને વધારવા માટે લોકો મેડિકલ અને ફૂડ સપ્લિમેન્ટનો ઉપયોગ કરતાં હોય છે. ગાઇવગાડીને દાવો કરાય છે કે આ સપ્લિમેન્ટથી બ્રેઇન ફોગ ઘટાડી શકાય છે તેમજ દિમાગને તેજ બનાવી શકાય છે. જોકે નિષ્ણાતો તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યૂરોલોજિસ્ટ ડો. જોઆના હેલ્મથનું કહેવું છે કે તમે હૃદયની બીમારી માટે હાર્ટ સ્પેશિયાલિસ્ટને પૂછી શકો છો, પરંતુ મગજને કેવી રીતે સ્વસ્થ્ય રાખવું તે અંગે ઘણી ઓછી જાણકારી ઉપલબ્ધ છે ત્યારે વિવિધ દાવાઓ પર ભરોસો કરવો મુશ્કેલ છે.
ઘણા ન્યૂટ્રોપિક સપ્લિમેન્ટ ફોકસ અને કાર્યક્ષમતા વધારવાનો દાવો કરે છે. ન્યૂટ્રોપિક્સ એવા પદાર્થો છે જે માનસિક કૌશલ્યો પર હકારાત્મક અસર કરે છે, જેમાં ફિશ ઓઇલનો પણ સમાવેશ થતો હોય છે.
• શું હોય છે આ સપ્લિમેન્ટ્સમાં? કંપનીઓના મતે તેમાં મગજની ક્ષમતાને વધારનારાં તત્ત્વો હોય છે. વનસ્પતિમાંથી મેળવેલા પદાર્થો - જેવા કે જિંકગો બિલોબા અથવા મશરૂમ્સ, પોષકતત્ત્વો - જેમ કે વિટામિન-બી અથવા કોલિન, એમિનો એસિડ, એલથેનાઇન અથવા ટોરિન, ખાટાં ફળો, અશ્વગંધા, ગ્રીન ટી અને રેડ વાઇનમાં જોવા મળતાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. જોકે નોર્થવેસ્ટર્ન મેડિસિનના ન્યૂરોલોજિસ્ટ ડો. જોશુઆ કહાનના મતે, કેટલાંક સપ્લિમેન્ટ્સમાં કેફિન પણ હોય છે, જે એકાગ્રતામાં મદદ કરી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બ્રેઇન સપ્લિમેન્ટનું વૈશ્વિક બજાર 63,000 કરોડ રૂપિયાનું છે અને 2030 સુધીમાં 1.29 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે.
• શું આ નિયમ અનુસાર છે? અમેરિકી એફડીએએ કોઇ કડક નિયમો બનાવ્યા નથી પરંતુ જ્યારે એજન્સીને લાગે છે કે તે અસુરક્ષિત છે તો પગલાં લઇ શકે છે. સપ્લિમેન્ટ મિક્સ્ચર વેચતી કંપની થીસિસના સહ-સ્થાપક ડેન ફ્રીડે દાવો કર્યો છે કે તેમનાં ઉત્પાદનો આંતરિક પરીક્ષણોમાં અસરકારક હોવાનું જણાયું છે. જોકે તેઓ તેની સમીક્ષા માટે જરૂરી ડેટા આપી શક્યા નથી. ‘બ્રાઈટ બ્રેઈન’ કંપની સ્માર્ટ પિલ્સ વેચે છે. જેમાં ત્રણ અસ્વીકૃત બ્રેઇન સ્ટિમ્યુલેટિંગ તત્ત્વો સામેલ છે. કંપનીનું કહેવું છે કે તેઓ પ્રોડક્ટના પેકેટ પર ચેતવણી લખે છે - ‘ડોક્ટરની સલાહ પછી જ ઉપયોગ કરો, જોખમ હોઈ શકે છે.’
• તો કેવી રીતે વધારવું ફોકસ? ડો. હેલ્મથ જણાવે છે કે સપ્લિમેન્ટ્સને બદલે જો તમે સ્વાસ્થ્યનાં તમામ પરિમાણો પર ધ્યાન આપો, પૂરતી ઊંઘ લો તો તમને રાહત મળી શકે છે. અપૂરતી ઊંઘથી એકાગ્રતા ઘટી જાય છે. રંગબેરંગી ફળો, શાકભાજી, માછલી, અનાજ અને પાંદડાવાળાં શાકભાજી ખાવાથી ફાયદો થઈ શકે છે. આ સિવાય અઠવાડિયામાં 150 મિનિટનું મધ્યમ વર્કઆઉટ પણ માનસિક સ્વાસ્થ્યને સુધારે છે.