હેલ્થ ટિપ્સઃ મગફળીના આરોગ્યલક્ષી ફાયદા

Saturday 11th March 2023 00:15 EST
 
 

બાળકોથી લઈને મોટેરાંઓની પણ પ્રિય એવી મગફ્ળી ખાવાની મજા જ કંઇક ઓર છે. મગફળીને ‘ગરીબોની બદામ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મગફ્ળીમાં એટલું પ્રોટીન હોય છે જેટલું દૂધ અને ઇંડાંમાં પણ નથી હોતું. મગફ્ળીનું સેવન આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક મનાય છે. મગફ્ળીમાં ગુડ ફેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે. આ કારણે હેલ્થ એક્સપર્ટ વજન પર નિયંત્રણ રાખવા માટે સામાન્ય માખણની જગ્યાએ પીનટ બટરના સેવન પર ભાર મૂકે છે.
બાળકોને સવારમાં પલાળેલી મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિમાં વધારો થાય છે. પલાળેલી મગફ્ળીના દાણા લોહીના સર્ક્યુલેશનને નિયમિત કરે છે અને હૃદયની બીમારીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે સાથે સાથે જ સ્નાયુઓને પણ મજબૂત કરે છે.
• મગફ્ળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે હાઈ કાર્બોહાઈડ્રેટવાળા હેવી નાસ્તા પછી થોડા દાણા જો મગફ્ળીના લેવાય તો શુગર કંટ્રોલમાં રહે છે.
• મગફ્ળીમાં વિટામિન-બી3ની માત્રા ભરપૂર હોય છે, જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે.
• મગફ્ળીમાં એન્ટિઓક્સિડેન્ટ્સ સારી માત્રામાં હોય છે, જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને રોગ સામે લડવામાં શરીરને મદદ કરે છે.
• મગફ્ળીના દાણા એનર્જીનો મોટો સ્રોત છે. આ કારણે જ વ્રત દરમિયાન ફ્ળાહારમાં એનું સેવન વધારે કરાય છે. નિયમિત પલાળેલી કે શેકેલી મગફ્ળીના 15થી 20 દાણા ખાવાથી ચમત્કારિક ફાયદા થાય છે. (દરરોજ આથી વધારે મગફળી દાણા ખાવાનું ટાળવું જોઇએ કેમ કે તેનાથી વજન વધી શકે છે.)
• પલાળેલી મગફ્ળીમાં ઓમેગા-૬ ફ્ટી એસિડ હોય છે, જે સ્કિનની કોઇ પણ સમસ્યા દૂર કરવાની સાથે ત્વચામાં નિખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમાં બનતા ઓક્સિડેશનને રોકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter