શિયાળાની ઠંડીના દિવસોનું આગમન થાય એટલે ઘરના વડીલો મગફળી અને ગોળ ખાવાની સલાહ આપે. ખાસ તો બાળકોને મગફળી-ગોળ ખાવાની સલાહ અપાય છે. જોકે માત્ર બાળકોએ જ નહીં, યુવાનો અને વૃદ્ધોએ પણ ઠંડીના દિવસોમાં મગફળી અને ગોળ ચોક્કસ ખાવાં જોઇએ. જો તમે મગફળીને ગોળ સાથે ખાવા ન માંગતા હો તો રોજ બનતી દાળ અને ખીચડીમાં નાંખીને તેને ભોજનમાં સામેલ કરો, કેમ કે તે શરીર માટે ખૂબ જ લાભદાયી છે. તે શરીરને તંદુરસ્ત બનાવી રાખવાનું કાર્ય કરે છે. તે શરીરને કઈ રીતે ગુણકારી સાબિત થાય છે તે વિશે થોડી વાત કરી લઇએ.
મગફળીના ફાયદા
ગૂડ ફેટથી ભરપૂર મગફળીમાં પ્રોટીન સારી એવી માત્રામાં ઉપલબ્ધ છે. તેમાં સોયાબીનમાંથી મળી આવતાં પોષકતત્ત્વો પણ સારી માત્રામાં છે. વળી, તેની અંદર કાર્બ્સ ઓછા હોવાના કારણે તેને સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થના લિસ્ટમાં મૂકાય છે. તેની અંદર બાયોટીન, કોપર, નિયાસીન, ફોલેટ, વિટામિન-ઈ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે.
મગફળીમાં રહેલાં આ પોષકતત્ત્વો હૃદયની તંદુરસ્તીને મજબૂત બનાવે છે અને હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓને રોકવાનું કાર્ય પણ બખૂબી કરી જાણે છે. મગફળીમાં રહેલાં પોષક તત્ત્વોથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને જો ઇમ્યુનિટી વધશે આપોઆપ શરીર પણ ચુસ્ત અને તંદુરસ્ત રહેશે. તેના સેવનથી કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રહે છે અને મેટાબોલિઝમ પણ વધે છે.
ઘણાં લોકો વજન ઘટાડવા માટે તેનું સેવન કરતાં હોય છે. વજન ઘટાડવાની પ્રક્રિયામાં બીજા ડાયટ સાથે એક વાર જો અડધો વાટકી મગફળી અને થોડોક ગોળ ખાવામાં આવે તો શરીરમાં જે પોષકતત્ત્વોની ઓછપ હોય તે બધાં જ તત્ત્વો તેમાંથી મળી જતાં હોય છે. (જોકે, એ ખાસ ધ્યાન રાખવું કે મગફળી-ગોળનું વધું પડતું સેવન વજન વધારે છે)
મગફળી હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે તેમજ તેમાં ઓઇલનું પ્રમાણ અને રેઝવેરાટ્રોલ જેવા એન્ટિ-ઓક્સિડન્ટ હોવાને કારણે તેનું સેવન ત્વચા ઉપર એન્ટિ-એજિંગનું કાર્ય પણ સારી રીતે કરી જાણે છે. શિયાળામાં રોજ તેનું સેવન કરવાથી ત્વચા ડ્રાય નથી થતી, ત્વચાના કોષોને તેની અંદરથી તેલ પૂરતાં પ્રમાણમાં મળી રહેવાથી સ્કિન નેચરલી જ મોઇશ્ચર રહે છે.
જો મગફળીથી તમને કોઇ પણ પ્રકારની એલર્જી ન હોય તો તેને ડાયટમાં ચોક્કસ ઉમેરી શકાય છે. જે વ્યક્તિને મગફળી ખાવાથી વાયુની તકલીફ થતી હોય તેણે ખાલી પેટ મગફળી ન ખાવી, કેમ કે ખાલી પેટ મગફળી ખાવાથી વાયુની તકલીફ થાય જ છે, સાથેસાથે વાયુની તકલીફવાળા લોકોએ એકસાથે મગફળી ન ખાવી જોઇએ. થોડા થોડા અંતરે ચાર-પાંચ દાણા ખાવા. આખા દિવસ દરમિયાન એક મૂઠી કે અડધી વાટકી જ મગફળી ખાવી તેનાથી વધુ ન ખાવી, કેમ કે વધારે મગફળી ખાવાથી પચવામાં તકલીફ થશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મગફળી ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ.